સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલા જીવન અનમોલ હૈ સેમિનારમાં શૈલેષ સગપરીયાનું પ્રેરણાદાયી વ્યાખ્યાન
ભારત દેશ એ યુવાનોનો દેશ છે, ભારત દેશના તત્ત્વદર્શી ઋષિઓની વાણી છે કે, માનવ જીવનથી અમુલ્ય, મહાન અને શ્રેષ્ઠ આ સંસારમાં બીજુ કઈ નથી. માનવ જીવનની વિવિધ અવસ્થાઓમાં પણ યુવાવસ્થા સૌથી અમુલ્ય છે. આ વાતને ફળીભૂત કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેશર પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવા જાગૃતિ શિબિર જીવન અનમોલ હૈ વિષય પર ગઈકાલે એનએફડીડી હોલ ખાતે ભવ્ય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના મહેસુલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગેરહાજર રહ્યાં હતા. આ સેમીનારમાં કુલપતિ સહિત સીન્ડીકેટ સભ્યો, સંલગ્ન કોલેજના આચાર્યો, સેનેટ સભ્યો, પ્રાધ્યાપકો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણીક અને બીન શૈક્ષણીક કર્મચારીઓ હાજર ર્હયાં હતા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ સેમીનારનો લાભ લીધો હતો.આ શિબિર થકી યુવાનો પોતાનામાં રહેલી શક્તિઓને બહાર લાવે અને પોતાની પ્રસિધ્ધી માટે પ્રેરણા માર્ગદર્શન પ્રાપ્ત થાય અને શિક્ષણની સાથો સાથ યુવાનો પોતાનામાં રહેલી પ્રતિભા કળા વિકસાવે અને સમાજ તેમજ રાષ્ટ્રમાં વિકાસના કામમાં અગ્રેસર રહે અને સારા નાગરિક તરીકે દેશનું નામ ઉજાગર કરે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.સૌ.યુનિ. ખાતે યોજાયેલા યુવા જાગૃત સેમીનારમાં રાજકોટના શૈલેષ સગપરીયાએ યુવાનોને જીવન અનમોલ હૈ વિષય પર પ્રેરણા વ્યાખ્યા આપ્યું હતું. જેમાં સેમીનાર સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, આત્મહત્યા એ કોઈ પ્રશ્ર્નનો અંતિમ ઉકેલ નથી. આજકાલની દોડધામ ભરી જિંદગીથી વ્યક્તિ કંટાળી જાય છે. તેમજ વધુ પડતા મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગથી વ્યક્તિ એકલો બની ગયો છે. બિમારીઓ પણ ઉત્તરોતર વધી રહી છે અને યુવાનોની સહનશીલતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેથી આજના યુવાનમાં નિરાશા વ્યકત થાય છે. પરિણામે આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે અને આ સેમીનારમાં આપઘાત માટે તજજ્ઞોએ દોડધામ ભરી જિંદગીને જવાબદાર ગણાવી હતી.