ચાર લાઇનની મળેલી સ્યુસાઇડનોટ: હોટલમાં રજૂ કરેલા આધાર કાર્ડ અંગે શંકા: પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવાશે
શહેરની ભાગોળે આવેલા નવાગામ ખોડીયાર પાર્કના બે દિવસથી ભેદી રીતે લાપતા બનેલા યુવકનો લીમડા ચોકમાં આવેલી સિલ્વર સેન્ડ હોટલના રૂમ નંબર ૩૦૫માં આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર અરેરાટી સાથે શોક મગ્ન બની ગયા છે. મૃતકે હોટલમાં આવ્યો ત્યારે રજૂ કરેલા આધાર કાર્ડમાં ચેડા થયા અંગેની પરિવાર દ્વારા શંકા વ્યક્ત થતા પોલીસે હોટલના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ હાથધરી છે.
નવાગામ પાસેના ખોડીયાર પાર્કમાં રહેતા અને કેશરે હિન્દ પુલ પાસે બુક સ્ટોલ ધરાવતા કેતન ધીરજલાલ જોબનપુત્રા નામના ૩૧ વર્ષનો લોહાણા યુવાન ગત તા.૧૧ જુલાઇએ બપોર બાદ ભેદી રીતે લાપતા બનતા પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયા અંગેની જાણ કરતા પોલીસે મોબાઇલ લોકેશનની મદદથી તપાસ કરતા તે લીમડા ચોકમાં હોવાનું બહાર આવતા પોલીસ અને પરિવાર દ્વારા લીમડા ચોકથી પારસી અગીયારી ચોક સુધીની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ ચેક કર્યા હતા પણ કેતન જોબનપુત્રાની ભાળ મળી ન હતી.
દરમિયાન ગઇકાલે સાંજે સિલ્વર સેન્ડ હોટલના રૂમ નંબર ૩૦૫નો દરવાજો અંદરથી બંધ હતો અને તેમાં રહેલા કેતન જોબનપુત્રા બહાર ન આવતા હોટલ સંચાલકોએ રૂમની બીજી ચાવીની મદદથી દરવાજો ખોલતા તેમાં કેતન જોબનપુત્રા ઝેરી દવા પીધેલી હાલતમાં પડયો હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. તેમજ કેતન જોબનપુત્રાના મોબાઇલ નંબરના આધારે તે નવાગામ પાસેના ખોડીયારપાર્કનો હોવાનું બહાર આવ્યું હતું અને તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતા તે ગુરૂવારે બપોરે પોતાના પિતરાઇ સાથે ફિલ્મ જોયા બાદ લાપતા બન્યાનું ખુલ્યું હતું.
કેતન જોબનપુત્રાને જે યુવતી પસંદ છે તે તેની માતાને પસંદ ન હોવાના કારણે આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ મૃતક કેતન જોબનપુત્રાએ હોટલમાં પોતાના આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ રજુ કર્યુ છે તેમાં તેનું નામ બરોબર છે જ્યારે પાછળના પેઇઝમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું અને તેમાં જુનાગઢ મોટી ઘંસારી કેશોદ લખ્યું છે. કેતન ખોડીયાર પાર્કમાં રહે છે તો જૂનાગઢનું એડર્રસ આઇડીપ્રુફમાં કંઇ રીતે આવ્યું તે અંગે પરિવાર દ્વારા શંકા વ્યક્ત થતા પોલીસે હોટલના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.