બે દિવસ પહેલા સાધુવાસવાણી રોડ પર રહેતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું:પરિવારે આક્ષેપો કરતા પોલીસે
રાજકોટમાં મૂળ ધ્રોલના અને હાલ સાધુવાસવાણી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. યુવકે એક કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલરના ત્રાસથી પગલું ભરી લીધાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં વધુ તપાસ કરતારાજકોટની નામચીન ડ્રગ પેડલર સુધા ધામેલીયાનું નામ આવ્યું હતું અને સુધાના ત્રાસથી કંટાળી જય કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.37)એ આપઘાત કર્યાનું ખુલતા પોલીસે સુધા સામે મરવામજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ ધ્રોલના અને હાલ રાજકોટના ભીડભંજન સોસાયટીમાં રહેતા જય કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.37) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પોલીસને જાણ થતાં યુનિવર્સીટી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને રાઇટર લક્ષ્મણભાઈ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં પ્રાથમિક તપાસમાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.
મૃતકના પરિવારજનોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સુધાના ત્રાસથી તેના પુત્રે જીવ ગુમાવ્યાનું રટણ રટ્યું હતું. ત્રણ દિવસ પહેલા રાતે ડ્રગ્સ પેડલર સુધા ઘરે અમને મારવા આવી હતી અને જય સાથે માથાકૂટ કરતી હતી.
ત્યારબાદ માથાકૂટ કરીને ગયા બાદ રાત્રીના સમયે લાગી આવતા જયે વહેલી સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.જેથી પરિવારની ફરિયાદ પરથી પોલીસે સુધા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે,સુધા અગાઉ ડ્રગના ગુનામાં આવતા તેને ગત 28 જૂન રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યારબાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મૃતકે સુધાને પકડાવી હોવાથી ત્રાસ આપતી :ડીસીપી મીણા
આ પ્રકરણ અંગે ડીસીપી મીણાએ પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું કે,આપઘાત કરનાર જય કિશોરભાઈ રાઠોડએ અગાઉ સુધાને પોલીસમાં પકડાવ્યા હોવાનું સુધાને માલુમ પડતા સુધા જમીન પર છૂટી જયને હેરાન કરતી હતી અને તેના ઘરે જઈ મારકૂટ કરતી હોવાથી તેના ત્રાસથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું હતું.જેથી પોલીસે સુધા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.