વારંવાર થતી બદલીથી કંટાળી સર્વિસ રાયફલથી એક રાઉન્ડ ફાયરિંગ કરી છાતીમાં ગોળી ધરબી દીધી: ગોળી છરકતી નીકળી જતા એસઆરપીમેન ઘવાયો
શહેરના મહાપાલિકાની સેન્ટ્રલ ઝોનમાં આવેલા ફાયર બ્રિગેડની ઓફિસ ઉપર એસઆરપીમેને પોતાની સર્વિસ રાયફલથી ફાયરિંગ કરી આપઘાતનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ છે. ગંભીર રીતે ઘવાયેલા એસઆરપીમેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ તેને વારંવાર બદલી થતી હોવાથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાની સ્ફોટક વિગતો જાહેર કરી હતી. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ-૧૩ (બી)માં ફરજ બજાવતા રણજીત અમરાભાઇ રાણવા નામના એસઆરપીમેને સવારે કોર્પોરેશન કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કરતા કોર્પોરેશન કચેરીમાં દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી.
રણજીતભાઇ રાણવાનો પરિવાર જૂનાગઢ રહે છે. જ્યારે તેઓ ઘંટેશ્વર ખાતેના એસઆરપી કેમ્પના કવાર્ટરમાં રહે છે. તેમની ગત નવેમ્બર માસમાં અમદાવાદથી રાજકોટ ખાતે બદલી થતા તેમને કોર્પોરેશન ખાતેના પોઇન્ટ પર ફરજ સોપવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી આવતા ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા માટે ઘંટેશ્ર્વર એસઆરપી ગ્રુપ-૧૩ને અમદાવાદ ખાતે ફરજ સોપવામાં આવતા આવતી કાલે અમદાવાદ સાબરમતી જેલ ખાતેનો પોઇન્ટ રણજીત રાણવાએ સંભાળવાનો હોવાથી ટૂંકા સમયમાં જ થયેલી બદલીના કારણે પોતે માનસિક રીતે ભાંગી પડયા હતા અને કોર્પોરેશન કચેરીના બીજા માળે ફાયર બ્રિગેડ કચેરીની ઉપર જઇ પોતાની સર્વિસ રાયફલનું નાળચુ છાતીમાં ટાકી ટીગર દાબી દેતા રાયફલમાંથી છુટેલી ગોળી રણજીત રાણવાની છાતીને છરકો કરી છત સાથે અથડાય નીચે પડાય તે દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા એસઆરપીમેન રણજીત રાણવા પણ લોહીલુહાણ હાલતમાં પટકાતા કોર્પોરેશન કચેરીમાં ફાયરિંગના અવાજથી ઉપસ્થિત સૌ અવાચક બની ગયા હતા. રણજીત રાણવાના જોડીદાર એસઆરપીમેન તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ભય મુક્ત હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
એસઆરપીમેન રણજીત રાણવાએ ગોળી ધરબી આત્મહત્યાની કરેલી કોશિષના કારણે કોર્પોરેશનના કમિશનર બચ્છાનીધી પાની અને વિઝીલન્સ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. એ ડિવિઝન પોલીસના પી.એસ.આઇ. જોષી અને રાઇટર જયપાલસિંહ સરવૈયા તપાસ હાથધરી છે.