ડોકટર રૂમમાં ગળાફાંસો ખાવા જતા નર્સનું ધ્યાન પડી ગયું: સિક્યુરિટી ગાર્ડએ દરવાજો તોડી દર્દીનો જીવ બચાવ્યો
સિવિલ હોસ્પિટલમાં આવેલા માનસિક વિભાગમાં આજરોજ સવારે એક દર્દીએ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત દર્દીએ ડોકટર રૂમમાં ધૂસી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નર્સનું ધ્યાન પડી જતાં સિક્યુરિટી ગાર્ડે તુરંત દરવાજો તોડી દર્દીનો જીવ બચાવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં માસિક વિભાગમાં દાખલ અજય ઉગાભાઈ સોલંકી નામના 27 વર્ષીય દર્દી સવારે પોતાના ખાટલા પરથી દોડી ડોકટર રૂમમાં ધૂસી જઈ દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ તુરંત નર્સિંગ સ્ટાફના ભક્તિ બેનનું જાણ થતાં તેઓએ ડોકટર રૂમમાં જોતા અજય ગળાફાંસો ખાવા માટે બારીનો પડદો બાંધી રહ્યો હતો.
નર્સિંગ સ્ટાફની બૂમાબૂમ સાંભળતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ તુરંત દોડી ગયા હતા અને દરવાજો તોડી માનસિક દર્દી અજય સોલંકીને બચાવી લેવાયો હતો.આ અંગે જાણ થતાં સિવિલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માનસિક દર્દી અજય સોલંકી મૂળ મેંદરડા તાલુકાનો હોવાનુ અને અગાઉ નવાબના મ્યુઝિયમમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. અજય સોલંકી માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી છેલ્લા 15 દિવસથી અત્રે દાખલ કરવામ આવ્યો છે. હાલ આપઘાતનો પ્રયાસ કરતી વેળાએ તેને નાની મોટી ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.