- હુમલામાં માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ : 32 લોકો ઘાયલ
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક લશ્કરી કમ્પાઉન્ડમાં વિસ્ફોટકોથી ભરેલા બે વાહનોમાં વિસ્ફોટ થતાં ત્રણ બાળકો સહિત બાર લોકો માર્યા ગયા. તેમજ ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ ઘટના વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે એક આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો પવિત્ર રમઝાન મહિના દરમિયાન રોઝા તોડી રહ્યા હતા. આ દરમિયાન મોટા વિસ્ફોટ થયા અને ગોળીબાર પણ થયો.
આ અંગે વડા પ્રધાન શાહબાઝ શરીફે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન નિર્દોષ નાગરિકોને નિશાન બનાવનારા કાયર આતંકવાદીઓની નિંદા કરી અને કહ્યું કે તેઓ કોઈ દયાને પાત્ર નથી.
આ હુમલો પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. ત્યારે આ અંગે એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેમજ 32 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત એક ગુપ્તચર અધિકારીએ અગાઉ એએફપીને જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી 12 આતંકવાદીઓએ કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને છ હુમલાખોરો માર્યા ગયા હતા.
આ હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર નામના જૂથે લીધી હતી, જે 2001 થી અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો ગઠબંધન સામેના યુદ્ધમાં અફઘાન તાલિબાનને સક્રિયપણે ટેકો આપી રહ્યું છે.