- મૃતકની કોલ ડિટેઇલ્સના આધારે ડઝનેક લોકોને નિવેદન અર્થે બોલવાયા
રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામના રહેવાસી ઘનશ્યામ મેર નામના યુવાનની લાશ માલીયાસણ પાસેથી મળી આવી હતી. કાવતરું ઘડીને યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હોય તેવો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે. મામલામાં પરિજનોએ પોલીસ કમિશ્નર સમક્ષ ન્યાયની માંગણી કરતા હવે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં ઝુકાવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 06 ડિસેમ્બરના રોજ રંગીલા સોસાયટી, નવાગામના રહેવાસી ઘનશ્યામભાઈ મેર રાત્રીના 12 વાગ્યાં આસપાસ ઘરેથી નીકળી ગયાં હતા. જે બાદ 9 ડિસેમ્બરના રોજ માલીયાસણ પાસે ખરેડી ચોકડી નજીક યુવાનનો મૃતદેહ રોડની બાજુમાંથી મળી આવ્યો હતો. મૃતદેહના માથાના, કમરના અને પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનનું મોત અકસ્માતમાં નીપજ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જે બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવતા ઝેરી દવાની અસરથી મોત થયાનું સામે આવ્યું હતું. ત્યારે પરીવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કાવતરું ઘડીને યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. સાથોસાથ પરીવારજનોએ યોગ્ય તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની માંગણી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં ઝુકાવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે મૃતકના કોલ ડિટેઇલના આધારે આશરે એકાદ ડઝન લોકોને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચે ઘનશ્યામ મેરનું મોત અકસ્માતમાં નીપજ્યું કે આપઘાત કર્યો કે પછી કોઈ હત્યા નીપજાવી લાશ રોડ પર ફેંકી દેવાઈ’તી તે દિશામાં તપાસ હાથ ધરી છે.