કેન્દ્ર દ્વારા વારંવાર કરાઈ રહેલી અવગણના ગંભીર ચિંતાનો વિષય : કોલેજીયમ કમિટી
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મંગળવારે પસાર કરેલા એક ઠરાવમાં પ્રમોશન માટે પહેલેથી ભલામણ કરાયેલા નામોને અટકાવીને માત્ર પસંદગીના નામોને મંજૂરી આપવા અંગે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બનેલી કૉલેજિયમે કેન્દ્ર દ્વારા વારંવાર નામોની અવગણના કરવાના મુદ્દા પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તે ગંભીર ચિંતાનો વિષય છે. ઠરાવમાં ખાસ કરીને એડવોકેટ જ્હોન સાથિયનના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમના નામને મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં કોલેજિયમે ૧૭ જાન્યુઆરીએ તેમની ભલામણનો પુનરોચ્ચાર કર્યો હતો.
કૉલેજિયમે ખાસ કહ્યું હતું કે, પ્રથમ વખત ભલામણ કરાયેલા અન્ય નામો પર સાથિયનને પ્રાથમિકતા આપવી જોઈએ, જ્યારે કેન્દ્રએ તેની અવગણના કરી અને ન્યાયાધીશ એલ વિક્ટોરિયા ગૌરીની વિવાદાસ્પદ નિમણૂક સહિત અનુગામી દરખાસ્તોની નિમણૂકને સૂચિત કરી હતી. કેન્દ્રએ સાથિયનની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે તેમણે વડાપ્રધાનની ટીકા કરતો લેખ શેર કર્યો હતો. આ વાંધો કૉલેજિયમ દ્વારા રદ કરવામાં આવ્યો હતો અને સાથિયનને યોગ્ય ઉમેદવાર હોવાનું જણાયું હતું.
હકીકતમાં ૨૧ માર્ચે યોજાયેલી બેઠકમાં કોલેજિયમે મદ્રાસ હાઈકોર્ટમાં ચાર ન્યાયિક અધિકારીઓની બઢતીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે ઠરાવમાં કોલેજિયમે નામો રોકવા માટે કેન્દ્ર વિરુદ્ધ ટીકા કરી હતી. ઠરાવ જણાવે છે કે, કોલેજિયમનું માનવું છે કે આર જોન સાથિયનના નામ સહિત અગાઉ ભલામણ કરાયેલ વ્યક્તિઓના પ્રમોશન માટે સૂચના જારી કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવા જોઈએ જેમનો કોલેજિયમે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે.