- દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા
દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સોમવાર અતિ મહત્વનો દિવસ હતો. આખું વર્ષ મહેનત કરીને ખેડૂતો પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરીને સુગર ફેકટરીઓમાં તેને પીલાણ માટે નાખતા હોય છે. આ શેરડીના ટન દીઠ ભાવ સુગર ફેક્ટરીઓના સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને અપેક્ષિત ભાવો મળ્યા હતા. ગત વર્ષ કરતા ટન દીઠ રૂ. 20થી લઈને 200 સુધીનો વધારો જાહેર કર્યો હતો.
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ વર્ષ ૨૦૨૩ / ૨૦૨૪ માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે, ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે, બીજી તરફ માથે ચુંટણી પણ છે. જેથી ખેડૂતોને ૩૫૦૦ થી ૩૮૦૦ રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી. જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો વધારો આપ્યો છે.
એપ્રિલના પ્રારંભે જ રાજ્યની સુગર ફેકટરીઓએ આજે પ્રતિ ટન શેરડીના ભાવ પાડ્યા છે, જેમાં 21 વર્ષોથી સતત નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ આપવાની પોતાની પરંપરા જાળવી રાખી છે. જેમાં આ વર્ષે સુકાની વિના પણ ડાયરેક્ટરોએ પોતાની સહકારી દ્રષ્ટિનો પરચો આપ્યો છે અને પ્રતિ ટન શેરડીનો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં 3605 અને ત્યારબાદ એપ્રિલ સુધીમાં દર મહીને 100 રૂપિયાના વધારા સાથે ભાવ આપતા સભાસદ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગણદેવી સુગર ફેક્ટરીમાં સુવ્યવસ્થિત સંચાલનને કારણે દર વર્ષે 10 લાખ ટનથી વધુ શેરડીનું પીલાણ થાય છે અને તેના કારણે 11 ટકાથી વધુની રીકવરી મળે છે.
આ વર્ષે 15 દિવસ વહેલી ફેક્ટરી બંધ થશે, પણ અત્યાર સુધીમાં 903500 ટન શેરડીનું પીલાણ કરી, 10.21 લાખ ખાંડની બેગ ભરી છે અને તેની સામે 11.46 ટકાની રીકવરી મેળવી છે. ગણદેવી સુગર ખાંડની સાથે જ બગાસ, મોલાસીસ, ઇથેનોલ વગેરે બાય પ્રોડક્ટ બનાવીને પણ આવક મેળવે છે. જેને આધારે ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા આ વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં પ્રતિ ટન શેરડીના 3605 રૂપિયા, ફેબ્રુઆરીમાં 3705 રૂપિયા, માર્ચમાં 3805 રૂપિયા અને એપ્રિલ મહિનામાં 3905 રૂપિયાનો ભાવ જાહેર કરતા જ સભાસદ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જયારે ફેક્ટરીએ 40 રૂપિયા કપાત પણ જાહેર કરી છે.