આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીઓએ પણ કહ્યું કે હવે તાયફાઓ ન કરો, નહિતર ગંભીર પરિસ્થિતિ સર્જાશે
કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી. કાચીંડાની જેમ કોરોનાએ અનેક વખત તેના કલર બદલ્યા છે. આપણે કોરોનાની બે લહેરને ખૂબ નજીકથી જોઈ છે. જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. તંત્ર અને તબીબો સંકલન સાધી આ મહામારીમાં સતત દિવસ રાત કામ કરતા હતા. છતાં પણ પરિસ્થિતિ વરવી બની હતી. જો કે બીજી લહેર ચાલી જતા લોકોને રાહત થઈ હતી.
ત્યારબાદ તંત્રએ અને લોકોએ છૂટછાટનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. હાલ સુધી અનેક છુટછાટ ચાલી રહી છે. પણ હવે આ છૂટછાટ વચ્ચે તકેદારી રાખવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનને લઈને સતર્ક રહેવાના સતત નિર્દેશ આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે દિલ્હીમાં નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલે સાવધ કરતા કહ્યું કે જો યુકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના ફેલાવાના કેસ વધે છે તો અહીં દરરોજ 14 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે તેમણે કહ્યું કે યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે.ત્યાં 80 ટકા જેટલું આંશિક વેક્સિનેશન થઈ ચૂક્યું છે. છતાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
એટલે ભારતમાં ભલે સારું વેકસીન થયું હોય પણ કોરોના વરવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં જરા પણ સમય નહિ લગાડે. આ મામલે નીતિ આયોગ અને ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી કે હવે તકેદારી ખૂબ જરૂરી બની છે. નહિતર કેસોની સંખ્યા ઝડપથી વધતી જશે.
બીજી બાજુ અત્યારે સરકારી કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોમાં મોટા તાયફાઓ થઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે હવે આ તાયફાઓ બંધ જ થવા જોઈએ. નહિતર કોરોના વરવું સ્વરૂપ લઈ લેશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાથી કે તેના નવા સ્વરૂપ ઓમીક્રોનથી ડરવાની બિલકુલ જરૂર નથી. બસ લોકોએ માત્ર સાવચેતી રાખવાની છે. કારણકે દેશને બીજી લહેરમાં ઘણું નુકસાન થયું છે. હવે ત્રીજી લહેર ન આવે તેની સાવચેતી રાખવાની જવાબદારી તમામ નાગરિકોની પણ છે.