મીમિક્રિસ્ટ
કાર્યક્રમ શરૂ થયો. એ માણસ વિચિત્ર હાવભાવો અને જુદી જુદી મીમિક્રી કરી પ્રેક્ષકોને હસાવવા માંડયો. થોડીવારમાં એક સુપ્રસિધ્ધ ગાયકની અદામાં એ ગાવા માંડયો તો થોડીવાર બાદ એ એક અભિનેતાની અદામાં સંવાદો બોલીને અભિનય કરવા લાગ્યો. વળી ઘડીકમાં તો એ જુદાં જુદાં પ્રાણીઓની બોલી બોલવા લાગ્યો. હાસ્યરસના નિષ્ણાંત એ માણસે તમામ પ્રેક્ષકોને હાસ્યના હોજમાં ડૂબાડી દીધા. આખોય ખંડ આનંદ અને હાસ્યથી છલોછલ થઇ ગયો.
કાર્યક્રમ પૂરો થયો.એ માણસે સમાપનમાં બધાને સંબોધી, બે
હાથ જોડી ને શરૂઆત કરી,
‘‘તોને હું પેટ પકડીને હસાવી શકયો, આનંદિત કરી શક્યો એનો મને અપાર આનંદ છે, હું તમારી પાસેથી થોડીક રકમની આશા રાખું છું.
મારી પત્નીને કેન્સર છે. હું પોતે ડાયાબિટીસનો દી છું, વૃધ્ધ માવતર અને પાંચ દીકરીઓનું ભરણ પોષણ તથા મારી અને મારી પત્નીની દવાઓનો ખર્ચ, હું આવા હાસ્યના કાર્યક્રમો આપી ને બીજાને હસાવી ને મારાં આંસુ લૂછવાની કોશિષ કરું છું. મારી કલાની કદરરૂપે અથવા મારી પત્ની, માવતર કે પછી દીકરીઓ પર અહેસાન કરવાની ભાવનારૂપે કાંઇક આપશો તો આપનો જન્મ જન્માંતરનો ઋણી થઈશ.’’
આટલું બોલતાં એની આંખોમાંથી સરવડાં શરૂ થયાં બીજાને હસાવી ને પોતાનાં આંસુ લૂછનાર એ માણસે જરાકવારમાં કરૂણરસને આખાય ખંડમાં રેલાવી મૂકયો.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર