- ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ ડ્રાય પાઉડર વડે ફાયરિંગ કરી ધૂમાડા બંધ કર્યા
- ઓવરબ્રિજ બનાવતી ખાનગી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા લેવાયેલા ટેમ્પરરી વિજ કનેક્શનમાં વીજ વાયર સળગ્યો હતો
- પીજીવીસીએલ ની ટુકડીએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી જઇ વિજ જોડાણ કટ કર્યું
જામનગર તા ૨, જામનગરમાં અંબર ચોકડી વિસ્તારના વરસતાના વરસાદે રોડ ની વચ્ચેથી એકાએક ધુમાડા નીકળતાં ભારે કુતુહલ સર્જાયું હતું, જે બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડ ના જવાને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને જે સ્થળેથી ધુમાડા નીકળતા હતા તે સ્થળે ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા, જયારે બ્રિજ બનાવવાનું કામ કરતી ખાનગી કંપની તથા વીજ તંત્રને સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા. અંડરગ્રાઉન્ડ કેબલ સળગ્યો હોવાના કારણે ધુમાડા નીકળતા હોવાનું સામે આવ્યું હતું, અને પી જી વી સી એલ ની ટીમે વીજ જોડાણ કટ કરી નાખ્યું છે.
બનાવની વિગત
જામનગરમાં અંબર ચોકડી પાસે આજે વહેલી સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં જમીનમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગતાં ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી, જેથી સૌ પ્રથમ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ડ્રાય પાઉડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા.
જે ઇલેક્ટ્રીક વાયર માં શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવાયું હતું, અને ઓવરબ્રિજ બનાવતી ખાનગી કંપની ના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યા હતા. જેઓએ સ્થળ પર આવ્યા પછી તેમણે જાહેર કર્યું હતું, કે બ્રિજનું કામ કરવા માટે પીજીવીસીએલ નું ટેમ્પરરી વિજ કનેક્શન લેવામાં આવ્યું છે, અને તેનો વીજવાયર અંડર ગ્રાઉન્ડમાં પસાર કરાયો છે. જેમાં વાયર બ્રેક થવાથી શોર્ટ સર્કિટ થયાનું જાહેર કર્યું હતું.
જેઅંગે પીજીવીસીએલ ની સેન્ટ્રલ ઝોન કચેરીના નાયબ ઇજનેર અજય પરમાર ને જાણકારી મળી હતી, જેથી તેઓએ તાત્કાલિક અસર થી વીજ ટુકડીને સ્થળ પર રવાના કરી દીધી હતી, અને ખાનગી કંપની દ્વારા મેળવવામાં આવેલું વીજ જોડાણ કટ કરી નાખ્યું હતું. કંપની દ્વારા એમ સી બી સ્વિચ લગાવવામાં આવી ન હોવાની શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવાયું છે.
જામનગર:સાગર સંઘાણી