પૂછ જિલ્લામાં સર્જાઈ દુર્ઘટના: પાંચ જવાન ઘાયલ પણ થયા
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. જેમાં સેનાના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે. આર્મી પીઆરઓએ જણાવ્યું કે આ ઘટના રવિવારે મોડી રાત્રે પૂંચના મેંધર સેક્ટરમાં બની હતી. આ ઘટના બની ત્યારે સેનાના જવાનો ફરજ પર હતા. તેમણે કહ્યું કે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. આર્મી કેપ્ટન આનંદ અને નાયબ-સુબેદાર ભગવાન સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ જવાનોની સારવાર ચાલી રહી છે.આ પહેલા રવિવારે બપોરે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા હતા. જ્યારે અન્ય એક રાહદારી ઘાયલ થયો હતો. ઘટના બાદ તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શહીદ એએસઆઈ વિનોદ કુમાર ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના રહેવાસી છે.ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા શરૂ થયા બાદ જુલાઇ મહિનામાં આતંકીઓએ સુરક્ષા દળો પર બે વખત હુમલા કર્યા છે. આ હુમલાઓમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે જવાન અને એક નાગરિક પણ ઘાયલ થયા છે. 12 જુલાઈના રોજ શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં પોલીસની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા પોલીસ એએસઆઈ મુસ્તાક અહેમદ શહીદ થઈ ગયા હતા. જ્યારે અન્ય બે જવાન ઘાયલ થયા હતા. 17મી જુલાઈએ પુલવામામાં નાકા પાર્ટી પર થયેલા હુમલામાં સીઆરપીએફ એએસઆઈ શહીદ થયા હતા અને એક નાગરિક પણ ઘાયલ થયા છે.