આફ્રિકામાં આર્થિક અને સામાજીક રીતે પડી ભાંગેલ સરકારને હટાવાઈ

સુદાનમાં ૩૦ વર્ષ સુધી શાસનકાળ સંભાળી રહેલા રાષ્ટ્રપતિ ઓમાર અલ બસીરે સેનાનાં દબાણ બાદ રાજીનામું આપ્યું છે અને સૈન્ય દ્વારા તેની ધરપકડ કરવામાં પણ કરવામાં આવી છે. સેનાનાં આદેશ બાદ દેશભરમાં આગામી ૩ માસ સુધી ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. બસીર સામે રાજધાની ખાતુર્મમાં ઠેર-ઠેર શકિત પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે.

રક્ષામંત્રી અવદ ઈબ્દે ઓફે સરકારી ટીવી પર જાણકારી આપી હતી કે, રક્ષામંત્રી તરીકે હું જાણ કરવા માંગું છું કે, સરકાર પડી ભાંગવાની છે. બસીરની જગ્યાએ અંતરીમ સૈન્ય પરીષદ બે વર્ષ સુધી શાસનકાળ સંભાળશે. બસીરનાં લાંબા સમય સુધીના શાસનકાળ દરમિયાન સરકારે અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. સરકાર વિરોધી પ્રદર્શનમાં અત્યારસુધીમાં ૪૯થી વધુ લોકોના મોત થયા છે. સુરક્ષા એજન્સીઓએ તમામ રાજનૈતિક કેદીઓને છુટા કરી દેવાનું એલાન કર્યું હતું. ૭૫ વર્ષીય ઓમાર અલ બસીર આફ્રિકામાં સૌથી વધુ સમય સુધી રાજ કરનારા નેતા રહ્યા છે. બસીર ૧૯૮૯માં તખ્તા પલટા બાદ સતામાં આવ્યા હતા.

વર્તમાન સમયમાં આફ્રિકામાં ચાલી રહેલ કટોકટી અને આર્થિક તેમજ ખાદ્ય અસુરક્ષાને લઈ લોકો ઠેર-ઠેર પ્રદર્શન કરી રહ્યા છે. મોંઘવારીને લઈ દેશભરમાં વિવિધ સ્થળો ઉપર લોકો પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં હતા અને કટોકટી સર્જાતા લોકોએ આત્મહત્યા કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય હતી. છેલ્લા ચાર-પાંચ મહિનાથી સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું જેને લઈ રક્ષામંત્રીએ સરકાર પડી ગઈ છે તેવું જાહેર કરી સૈન્યને સતા સોંપી હતી. રાષ્ટ્રપતિ બસીરની ૩૦ વર્ષની સતા બાદ હવે તમામ સંચાલન સૈન્ય દ્વારા કરવામાં આવશે. ઓમાર બસીરની રાજધાની ખાતુર્મનાં પ્રદર્શન બાદ ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.