- ઉંચી – ઊંચી ચગડોળ, એકથી એક ચડિયાતી રાઈડ, અવનવા રમકડાના સ્ટોલ, ઠેક-ઠેકાણે ફૂડ કોર્નર અને સ્ટેજ ઉપર રોજેરોજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આકર્ષણો હશે
- જન્માષ્ટમીના ભવ્ય લોકમેળાનો ફાઇનલ લે આઉટ પ્લાન તૈયાર, મેળાને તો હજુ વાર છે પણ મેળો કેવો હશે તેની મનોમન લટાર રાજકોટવાસીઓ આ નકશાને જોઈને લગાવી શકશે
- રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તા.24 ઓગસ્ટ થી તા. 28 ઓગસ્ટ સુધી યોજાનાર છે.આ મેળાને હજુ વાર છે. પણ મેળો કેવો હશે તેની મનોમન લટાર રાજકોટવાસીઓ આ નકશાને જોઈને લગાવી શકશે.
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.
રાજકોટના મેળાનો ઇતિહાસ જોઇએ તો 1953 સુધી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્યો. આ આયોજનનું 1985માં પણ પુનરાવર્તન કરાયું ત્યાર બાદ, 1986થી સરકારી અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબધ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ.
આ લોકમેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાચ દિવસનો કરવામાં આવ્યો. લોકમેળાના આયોજનના આ વિકેન્દ્રીકરણની લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે નમૂનેદાર બન્યો છે.
મેળાનું જબરદસ્ત ટર્ન ઓવર
રાજકોટમાં આ વર્ષે થનારા મેળાને લઈને વેપારીઓને મોટી આશા છે. લોકમેળામાં મોતના કૂવા, મોટી ફનરાઇડ્સ, મધ્યમકક્ષાની રાઈડ્સ, ચિલ્ડ્રન રાઈડ્સ, ફૂડ કોર્ટ, ખાણીપીણીના સ્ટોલ, આઈસસ્ક્રીમના સ્ટોલ, રમકડાના સ્ટોલ, સરકારી સંસ્થાઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ મેળો રાજકોટના અર્થતંત્રને બુસ્ટર આપવાનો છે. અનેક વેપારીઓ આ મેળામાંથી મોટી કમાણી કરશે. તો બીજી તરફ સરકારી તંત્રને પણ આ મેળામાંથી આવક થશે તે સેવાકાર્યોમાં વપરાશે.
લોકો શોપિંગ અને ખાણી- પીણીની મજા માણશે
મેળામાં વરસાદ થવો એ સામાન્ય વાત ગણાય છે. ગારા-કીચડની ચિંતા કર્યા વગર લોકો મેળામાં મોજ મસ્તીના ધૂબાકા મારે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા આ લોકમેળાને માણવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ છવાયેલ હોય લોકમેળાની રંગત લેવા માટે લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્ષ ગ્રાઉન્ડ તરફ વહે છે. લોકમેળામાં ચકરડી, ફજેતફાળકા ટોરા ટોરા, મોતનો કુવો, ઝૂલા સહિતની અવનવી રાઈડસની મજા લોકો લ્યે છે. આ ઉપરાંત મેળામાં વિવિધ સ્ટોલો ઉપરથી કટલેરી, ઈમીટેશન જવેલરી, રમકડા, લેધર આઈટમો સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી લોકો કરે છે અને મેળામાં આઈસ્ક્રીમ અને ખાણી-પીણીની લીજજત પણ લોકો માણે છે.
મેળાની આવક વિકાસ કામોમાં ખર્ચાઈ છે
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા.
મેળામાં સફાઈથી લઈ ફૂડ ચેકીંગ સુધીની કામગીરી માટે ટિમો સજ્જ
મેળામાં સફાઈથી લઈ ફૂડ ચેકીંગ સુધીની કામગીરી માટે ટિમો સજ્જ રાખવામાં આવશે.લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.
મેળાની તૈયારી પાછળ વહીવટી તંત્રની તનતોડ મહેનત
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનો આ લોકમેળો એ જગવિખ્યાત છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક આ લોકમેળામાં જોવા મળે છે. આ લોકમેળાની છેલ્લા એક માસથી વહીવટી તંત્ર દ્વારા તૈયારી થઈ રહી છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સિટી 1 પ્રાંત ડો.ચાંદની પરમાર દ્વારા મેળાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી દિવસ રાત અધિકારીઓ અને કર્મચારીઓ કામમાં ગળાડૂબ રહ્યા છે.
મેળાના 121 સ્ટોલ- પ્લોટનો ડ્રો સંપન્ન: હરાજીનો થયો બહિષ્કાર
રાઈડનું ફાઉન્ડેશન, બે પ્લોટના ત્રણ રાઈડની મનાઈ સહિતના આકરા નિયમો સામે વેપારીઓએ વિરોધ નોંધાવતા 94 પ્લોટની હરાજી અટકી, હવે સોમવારે ફરી હરાજીનો પ્રયત્ન કરાશે
લોકમેળામાં સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરાજી આજે સિટી-1 પ્રાંત દ્વારા ગોઠવવામાં આવી હતી. જેમાં ડ્રોની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ ગઈ હતી. પણ હરાજીનો વેપારીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો.રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળામાં કુલ 215 સ્ટોલ પ્લોટની હરાજી અને ડ્રોની કામગીરી આજે સિટી 1 પ્રાંત ડો.ચાંદની પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં બી રમકડાંના 100 સ્ટોલ સામે 244 ફોર્મ, સી ખાણી-પીણી નાનીના 6 સ્ટોલ સામે 21 ફોર્મ, જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ સામે 42 અને નાની ચકરડીના 12 સામે 57 ફોર્મ મળ્યા હતા. આ 121 સ્ટોલ પ્લોટ પ્રાંત અધિકારી દ્વારા ડ્રો કરીને વેપારીઓને ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ એ ખાણીપીણીના 2, બી 1 કોર્નર ખાણીપીણીના 44, ઇ યાંત્રિક આઈટમના 4, એફ યાંત્રિક આઈટમના 3, જી યાંત્રિક આઈટમના 18, એચ યાંત્રિક આઈટમના 6, એક્સ ચોકઠાના 16 સ્ટોલ પ્લોટ માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે વેપારીઓએ રાઈડનું ફાઉન્ડેશન, બે પ્લોટના ત્રણ રાઈડની મનાઈ સહિતના આકરા નિયમો સામે વિરોધ નોંધાવી હરાજીનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે 94 પ્લોટની હરાજી અટકી છે. હવે સોમવારે તમામ વેપારીઓને બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.