વિજ્ઞાન જાથાએ ઉચ્ચકક્ષાએ તટસ્થ તપાસની માંગણી કરી ફેકસ કર્યા: શ્રદ્ધાળુઓએ મંજુરી વગર, ડીજે માઈક, કોરોના નિયમો, જાહેરનામાનો ઉલાળીયો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે માસમાં પશુબલીની ઘટના બનવાથી જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તે છે. ચોટીલાના ભેટચુડા ગામમાં 1 પાડો અને 30 બોકડાની પશુબલી બનાવે લોકોમાં અરેરાટી છે ત્યાં ગઈકાલ તા.18મી વહેલી પરોઢે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામમાં 6 ઘેટા-બકરાની પશુબલી ચડાવી દીધી છે. શ્રદ્ધાળુઓએ મંજુરી વગર કાર્યક્રમ, ડીજે માઈક, જમણવાર, કોરોના નિયમો અને જાહેરનામાનો ઉલાળીયો કરી ભુવાઓની મદદથી પશુબલી ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં આઘાતની લાગણી જોવા મળે છે. પોલીસે માનતાવાળાની ધરપકડ કરી છે. જાથાએ તટસ્થ તપાસની માંગણી કરી છે.
બનાવની વિગત પ્રમાણે એપ્રિલ તા.18મીએ વહેલી પરોઢે જીવપ્રેમીએ જાથાના કાર્યાલયે માહિતી આપી તેમાં દસાડાના ગવાણીયા વાસમાં માતાજીનો માંડવો છે. તેમાં બે બોકળાની પશુબલી થઈ ગઈ છે. બાકીના 4 ઘેટા-બકરાને બચાવી લેવાની વાત મુકી હતી. ગામના જીવદયાપ્રેમીએ ફોટોગ્રાફ અને વિડિયોગ્રાફ મોબાઈલમાં મુકી આધાર-પુરાવા મુકયા હતા. તેમાં નામો પવાભાઈ ગવાણીયા, મુકેશભાઈ ગવાણીયા, ભુવા કિરીટભાઈ સોલંકી બીજા ત્રણ ભુવા અને સાગરીતો તપાસમાં ખુલે તે રીતે વિગત આપી હતી. પોલીસ માંડવામાં આવતાની સાથે ચાર-પાંચ ભુવાઓ વંડી ઠેકીને ભાગી જવામાં સફળ થયા હતા અને અસંખ્ય શ્રદ્ધાળુઓને અજુગતું લાગતા અને પશુબલી કાનુની ગુન્હો બનતો હોય તેનાથી માહિતગાર હોય ભાગવામાં અને રફુચકકર થવામાં એકબીજાને મદદ કરતા હોઈ તેવું જોવા મળ્યું હતું. ઘરના માલિકે માનતા રાખી હોય તેવી અસહાય દશામાં જોવા મળ્યા હતા. પોલીસે તુરંત અટકાયતી પગલા લઈ પો.સ્ટેશને લઈ ગયા હતા. જાથાના ચેરમેન જયંત પંડયાએ સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલને દસાડામાં પશુબલી ચાલી રહી છે. અટકાવવા સંબંધી રજુઆત કરી હતી બાદમાં દસાડા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને પશુબલી સંબંધી ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા. દસાડાના પી.એસ.આઈના મોબાઈલમાં પશુબલીના વિડીયો મુકી દીધા ઉપરાંત વાતચીત કરી લીધી. પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ. પ્રારંભમાં ઘરના માલિકને ગામમાં પોલીસ આવી ગયાની ખબર પડતા પશુબલીનું માંસ, અસ્થિ, પુરાવા રફેદફે કરી દીધા. માંડાવામાં કશુ જ બન્યું ન હોય તેવું ચોખ્ખુ-ચણાટ કરી દીધું તે સંબંધી વાતચીત થઈ. એક ક્ષણ માટે પોલીસ પણ વિમાસણમાં મુકાઈ. જાથાએ બીજો વિડીયો મુકી દીધો. તેમાં પશુબલીના તમામ આધાર આપેલ હતા. પોલીસે ત્વરિત પગલા લઈ અટકાયતી પગલા લીધા. દસાડા પોલીસ સ્ટેશને તુરંત પગલા લીધા હતા. અટકાયતી કાર્યવાહી કરી હતી. આજે તા.19મી સવારે દસાડા પોલીસ સ્ટેશને ફોન કરતા માનતાવાળા લોકઅપમાં છે તેવી માહિતી જાથાને આપી.
નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ભેટસુડા પશુબલી પ્રકરણની ધોરણસરની ફરિયાદ દાખલ
વિજ્ઞાન જાથાએ પશુબલી કરનારાઓ સામે કાનુની કાર્યવાહીની માંગ કરી હતી
નાની મોલડી પોલીસ સ્ટેશનની ભારોભાર નિષ્ક્રિયતા જોવા મળી હતી. ભારત જન વિજ્ઞાન જાથાએ સુરેન્દ્રનગર કલેકટર અને એસ.પી. સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી પશુબલી ઘટનામાં જવાબદારો સામે કડક કાનુની કાર્યવાહીની માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. એસ.પી.એ તપાસના આદેશ આપ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે માસથી માનતાના નામે પશુબલીના બનાવોથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પશુબલી માટે જિલ્લો પસંદગીપાત્ર બની ગયું હોય તેવું લાગતું હતું. સરકારે પશુબલી કિસ્સામાં કડક કાનુની નિર્દેશ આપવા જોઈએ.
માતાજી, માનતાના નામે પશુબલી અટકે તે માટે સૌ કોઈનો ટેકો ઈચ્છે છે. માતાજી કદી પણ જીવહિંસાથી રાજી, પ્રસન્ન ન હોય, જે જ્ઞાતિ-સમાજમાં સદીઓથી પરંપરા, માન્યતા, રિવાજ છે તેને વર્તમાનયુગ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર છે. જ્ઞાતિ સમાજના સમાજ સુધારકો, યુવાનોએ આગળ ચાલુ પ્રયાસ કરવો જોઈએ. જાથા તમામ જ્ઞાતિ સમાજ તરફ આદર ધરાવે છે. ફરિયાદ સંબંધી પોલીસ કાર્યવાહી તરફ જાગૃતો મીટ માંડી જોવે છે.