રાજયના શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી એક એક વર્ગની શાળાઓમાં પણ ખાસ કરીને ધોરણ-9 અને 10ની શાળામાં હવે 1 આચાર્ય અને 2 શિક્ષકોના બદલે 1 આચાર્ય અને 3 શિક્ષક મળી કુલ 4નું મહેકમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ સમક્ષ આ મુદ્દે થયેલી અનેક રજૂઆતો બાદ વિભાગ દ્વારા મંજુરી માટે ફાઈલ સરકારને મોકલી છે. જેની પર સરકાર દ્વારા ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લેવામાં આવશે.
અગાઉ એક-એક વર્ગની શાળામાં 1 આચાર્ય અને 2 શિક્ષક મળતા હતા: ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ-9 અને 10ના એક-એક વર્ગ ધરાવતી સ્કૂલોમાં 50ની સંખ્યા હોય અને શહેરમાં 75ની સંખ્યા હોય ત્યાં 3ના બદલે 4નું મહેકમ મળશે
ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ-9 અને 10ના એક-એક વર્ગ ધરાવતી સ્કૂલોમાં 50ની સંખ્યા હોય અને શહેરમાં 75ની સંખ્યા હોય ત્યાં 3ના બદલે 4નું મહેકમ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે.રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જે ધોરણ-9 અને 10ના એક-એક વર્ગ ધરાવતી શાળાઓમાં એક આચાર્ય અને બે શિક્ષકનું મહેકમ મંજુર કરવામાં આવેલું છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિવિધ સંઘો દ્વારા ધોરણ-9 અને 10ના એક-એક વર્ગ ધરાવતી શાળાઓમાં એક આચાર્ય અને ત્રણ શિક્ષક મહેકમ મંજુર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ સચિવ સાથે થયેલી ચર્ચા મુજબ ધોરણ-9 અને 10ના પ્રત્યેક વર્ગમાં 50 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય અને સરેરાશ હાજરી 80 ટકાથી વધુ જળવાતી હોય તેવી શાળાઓની વિગતો શિક્ષણ વિભાગને રજૂ કરવામાં આવી હતી.
શિક્ષણ વિભાગને મળેલી રજૂઆતમાં એમ જણાવાયું હતું કે, ધોરણ-9 અને 10ના એક એક વર્ગ ધરાવતી શાળાઓમાં 1 આચાર્ય અને 2 મદદનીશ શિક્ષકનું મહેમક છે તેની જગ્યાએ વિષયને ન્યાય મળે એટલે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 આચાર્ય અને 3 મદદનીશ શિક્ષકનું મહેકમ મંજુર કરવું જોઈએ. તેમાં પ્રત્યેક વર્ગદીઠ 50 બાળકોની સંખ્યા હતી તેના બદલે બંને વર્ગની કુલ વિદ્યાર્થી સંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં 50 અને શહેરી વિસ્તારમાં 75 સંખ્યા ધરાવતી સ્કૂલોમાં 1 આચાર્ય અને 3 મદદનીશ શિક્ષક મળી કુલ 4નું મહેમક મંજુર કરવા માટે રજૂઆતમાં જણાવાયું હતું.
શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લઘુત્તમ 24 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં લઘુત્તમ 36 વિદ્યાર્થીની સંખ્યા જળવાતી હોય તો વર્ગ ચાલુ રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જેથી તેને ધ્યાને લઈને માત્ર ધોરણ-9 અને 10નો એક-એક વર્ગ ધરાવતી શાળાઓ કે જેમાં બંને વર્ગની કુલ વિદ્યાર્થી સંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં 50 અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં 1 આચાર્ય અને 3 મદદનીશ શિક્ષક મળી કુલ 4નું મહેકમ મંજુર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તમામ મુખ્ય વિષયના શિક્ષકો મળી રહે અને શૈક્ષણિક કાર્ય સારી રીતે હાથ ધરી શકાય તેવો અભિપ્રાય સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા આપવામાં આવ્યો છે.
આ નિર્ણયને લઇને હવે રાજ્યની 1512 ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની ફરજ પડશે. શિક્ષણ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ 1512 જેટલા શિક્ષકોની ભરતીથી રૂપિયા 56 કરોડનું ભારણ વધશે.
રાજકોટની 18 ગ્રાન્ટેડ શાળામાં નવા શિક્ષક લેવા પડશે
ધોરણ-9 અને 10ના એક-એક વર્ગ ધરાવતી હોય અને બંને વર્ગની કુલ વિદ્યાર્થી સંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં 50 અને શહેરી વિસ્તારમાં 75 હોય તેવી રાજ્યમાં 1512 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. આ ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજીત નવા 1512 શિક્ષકોની જરૂરીયાત ઉભી થાય તેમ છે. જેના પાછળ અંદાજીત રૂ. 56 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. રાજકોટમાં 242 ગ્રાન્ટેડ શાળાઓમાંથી 18 જેટલી શાળાઓમાં આ મહેકમ લાગુ પડશે.