કૃષિ મંત્રી આર. સી. ફળદુના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ અને ફેક્ટરી એસો.ના સભ્યો સાથે બેઠક યોજાઈ

જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે કેબિનેટમંત્રી આર. સી. ફળદુના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી.ફેઈઝ-૨ના સભ્યો અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો જેવા કે,નાના ઉદ્યોગકારોને આર્થિક પેકેજ વગેરે બાબતોના રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણયને આવકાર્યા નિર્ણયને આવકાર્યા હતા સાથે જ સ્થાનિક પ્રશાસનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, જી.આઇ.ડી.સી.ના લોકોના કારખાના ક્રમશ: ખોલી તેમના  શ્રમજીવીઓને અગાઉ પગાર ચુકવી દેવામાં આવ્યો છે, જે  ગુજરાતમાં માત્ર  બે જિલ્લાઓમાં જ બન્યું છે જેમાં એક અમદાવાદની વટવા જી.આઈ.ડી.સી.અને જામનગરની બધી જી.આઇ.ડી.સી.માં શક્ય બન્યું છે તે અંગે જિલ્લા પ્રશાસન અધિકારી કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં જામનગરના આગેવાન જીતુભાઈ લાલે બહારથી આવતી બોટો કે જેનું ૧ મહિનાથી બંદર પર સ્ક્રિનિંગ થઈ રહ્યું છે તે બાબતને હાલની પરિસ્થિતિમાં કલેકટરની દૂરંદેશીતા જણાવી વખાણી હતી.આ બેઠકમાં સભ્યો દ્વારા માલપરિવહન અને તેને અનુસંધાને મજૂરો બાબતની પરવાનગી વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના અનુરોધને જામનગરના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અહીં ઉપસ્થિત તમામ સામાજિક આગેવાનો પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે, પોતાના ઉદ્યોગમાં કામ કરતા અને રોજે રોજનું કમાનારા પોતાના શ્રમયોગીઓને પરિવાર ગણી સાચવ્યા છે તે આ સંકટ સમયનો ખરો માનવતા ધર્મ જ છે, ત્યારે આ સમાજશ્રેષ્ઠીઓ રાજ્યની આરોગ્યલક્ષી વ્યવસ્થા જાળવવા માટે અને રાજ્યને આરોગ્યક્ષેત્રે વિકસાવવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રાષ્ટ્રની સેવા માટે અનુદાન આપે તેમ મંત્રીએ અનુરોધ કર્યો હતો. સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહજાડેજાએ પણ સભ્યોને અપીલ કરતા કહ્યું હતું કે, સમાજની સેવા કરવાની આ એક ઉત્તમ તક મળી છે, તેને ઝડપી લઇ અને ગુજરાતના આ કપરા સમયમાં સહયોગી બનવા મુખ્યમંત્રી રાહત નિધિમાં સરકારના પ્રતિનિધિ તરીકે અનુદાનની અપેક્ષા કરી હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલ તમામ સમાજશ્રેષ્ઠીઓ દ્વારા જામનગરના તમામ ઉદ્યોગકારો તરફથી સહકારની ખાતરી આપી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કલેકટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, એસ.પી.  શરદ સિંઘલ, ચેમ્બર ઓફ કોમર્સ, જી. આઇ. ડી. સી. અને ફેક્ટરી એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.