શનિવારે સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની અજવાળીએ આરોગાશે દુધ-પૌવા
આભ પાથરશે અમૃતરૂપી તેજ
આસો માસની રઢિયાળી રાત એટલે શરદપૂર્ણિમા નવરાત્રી પૂર્ણ થઇ છે અને દિવાળીના તહેવારોની રાહ જોવાઇ રહી છે. ત્યારે આગામી શનિવારે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠી છે અને પૃથ્વી પર તેનું તેજોમય અમૃત વરસાવે છે. વિક્રમ સવંતના દરેક માસની પુનમે ચંદ્ર તેનું અલૌકિક તેજ પાથરી છે. પરંતુ આસો માસની પુનમે રઢિયાળ રાતનું સૌદર્ય કંઇક અલગ જ નિહાળવા મળે છે અને તન મન ને તાજગીથી ભરી દે છે. દર વર્ષે અનેક સ્થળોએ શરદોત્સવ, રાસ ગરબાના કાર્યક્રમો યોજાઇ છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે શહેરીજનો આ ઉત્સવ ઉજવી નહિ શકે,
આસો સુદ પુનમ એટલે કે વર્ષાઋતુની વિદાય અને ચોમાસાનું આગમન, આસો માસથી ધીમે ધીમે ત્વચાને ઠંડીનો અનુભવ થવા લાગે છે. શરદ પુનમને રાસ પુનમ પણ કહેવામાં આવે છે. શરદ પુનમે ચાચર ચોકમાં સ્ત્રીઓ, બાળાઓ ગરબો ધુમે છે. તો ઘણા લોકો ચંદ્રનું સૌદર્ય માણવા મેદાનો નદી તટમાં ઉમટી પડે છે.
શરદ પૂનમે દુધ પૌઆ ખાવાનો રિવાજ
આપણે ત્યાં શરદ પુનમે દુધ પૌઆ ખાવાની પરંપરા છે. આયુર્વેદ મુજબ શરીરમાં જે પિતનો પ્રકોપ થયો હોય તે દુધ પૌઆ ખાવાથી નષ્ટ થાય છે દુધ પિતનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દુધ પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો થાય છે. પુર્ણિમાની શીત લહેરમાં રાખેલા દુધ પૌઆ ખાવાથી શરીરને ઠંડક પ્રદાન થાય છે શરદ પૂર્ણિમાની રાત્રે સોળે કલાએ ખીલી ઉઠેલો ચંદ્ર આ દિવસે પૃથ્વીની વધુ નજીક હોય તેવું કહેવામાં આવે છે.