ડો.કેતન કાલરીયા દ્વારા એકજ સિટીંગમાં મગજમાં ૧૨ એમએમ અને ૭ એમએમની બે ગાંઠો દુર કરાઈ
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર સ્ટર્લીંગ હોસ્પિટલને સ્ટીરીયોટેકટીક રેડીયોસર્જરી દ્વારા મગજનાં કેન્સરની સારવાર કરવા માટે સફળતા મળી છે. એસ.આર.એસ. એવી તકનીક છે કે જેનાથી મગજનાં જટીલ ભાગોમાં રહેલી ગાંઠની સારવાર મગજનાં કાપાકુપીવાળા ઓપરેશન વિના જ સરળતાથી રેડીયેજન વડે દુર કરી શકાય છે અને આવો જ એક કિસ્સો સ્ટર્લીંગ હોસ્પિટલમાં ગુલસનબેનને મગજમાં ૧૨ એમએમ અને ૭ એમએમની બે ગાંઠો જોવા મળતાં સ્ટીરીયોટેકટીકરેડીયોસર્જરી વડે દુર કરવામાં સફળતા મળી હતી. જે અંગે આજરોજ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી.
પત્રકાર પરીષદ સંબોધતાં ડો.કેતન કાલરીયાએ જણાવ્યું હતું કે, ગુલસનબેન અમલાણી (ઉ.વ.૬૦) જુન-૨૦૧૮માં જમણી બાજુનાં સ્તનમાં ગાંઠ હોવાની ફરિયાદ સાથે સ્ટર્લીંગ હોસ્પિટલે આવ્યા હતા. ગાંઠ ખુબ જ મોટી અને કેન્સર સ્ટેજ-૪ પર પહોંચી ગયું હોવાનું માલુમ પડયું હતું ત્યારબાદ કિમીયોથેરાપીનાં ૪ ડોઝ આપવામાં આવ્યા હતા અને કેન્સર દુર કરવામાં આવ્યું હતું અને સ્ટેજ-૪નાં કેન્સર એટલે કે લગભગ અશકય જણાતી સારવારમાં પણ સફળતા મળી હતી.
જોકે ત્રણ મહિના બાદ ફરીથી તેઓનું એમઆરઆઈ કરવામાં આવ્યું ત્યારે સ્તન કેન્સરથી ફેલાયેલી બે ગાંઠ મગજમાં જોવા મળી હતી અને જેને સ્ટીયોટેકટીકથી રેડીયોસર્જરી વડે દુર કરવામાં આવી હતી અને આ સર્જરી બાદ ગુલસનબેનને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડી નથી અને મગજની ગાંઠ એસઆરએસ દ્વારા ફકત એક જ સિટીંગમાં સફળતાપૂર્વક દુર કરવામાં આવી અને દર્દીને નવજીવન મળ્યું.
ગુલસનબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સર્જરી બાદ હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. મને એક પણ પ્રકારની આડ અસર થઈ નથી અને મુશ્કેલી પણ પડી નથી અને મારી આ સારવાર મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ નિ:શુલ્ક આપવામાં આવી છે.