રાજયનાં ૬૦ હજાર વીજકર્મીઓને રૂ.૩૦ લાખનું વિમા કવચ મળશે
જીયુવીએનએલ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ: પીજીવીસીએલ સહિતની સાતેય વીજકંપનીઓનાં અધિકારી અને કર્મચારીઓને વધારાની બેન્કિંગ સર્વિસને પણ લાભ અપાશે
જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા વીજકર્મીઓને વિમા કવચ પૂરું પાડવા અંગે ઉર્જામંત્રીને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સફળ નિવડતા હવે રાજયની સાતેય વીજ કંપનીઓનાં ૬૦ હજાર અધિકારી અને કર્મચારીઓને રૂ૩૦ લાખનું વિમા કવચ મળવાનું છે. જીબીઆનાં સેક્રેટરી જનરલ બી.એમ.શાહ દ્વારા ઉર્જામંત્રી સૌરભ પટેલને પત્ર પાઠવીને વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓનાં એકાઉન્ટ જે બેંકમાં હોય તે દરેક ખાતા ધારકને રૂ૩૦ લાખ જેટલી રકમનું વિમા કવચ મળે તે અંગે બેંક સાથે કરાક કરવાની રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત પ્રત્યે ઉર્જામંત્રીએ હકારાત્મક વલણ દાખવ્યું હતું. જેનાં પગલે જીયુવીએનએલ અને એસબીઆઈ વચ્ચે એમઓયુ થયા છે જેથી હવે બેંક ખાતા ધરાવતા વીજ અધિકારી અને કર્મચારીઓને રૂ.૩૦ લાખનું વીમા કવચ સાથે લોકર ચાર્જ, એટીએમ વીડો લીમીટ, એસબીઆઈ અને અન્ય બેંકનાં તમામ એટીએમ ટ્રાન્ઝકેશન ફ્રી, વધારાનું વીમા કવચ, આરટીજીએસ, એનઈએફટી, ડીમાન્ડ ડ્રાફટ, ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ સહિતની સર્વિસમાં વધારાનાં લાભ મળશે. પીજીવીસીએલ સહિત રાજયની ૭ અલગ અલગ કંપનીઓનાં ૬૦ હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓને આ સેવાનો લાભ મળવાનો છે.