જેતપુરને ઝડપથી ગેસ આપવાની રજૂઆતને પણ મુખ્યમંત્રીનો સકારાત્મક પ્રતિસાદ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અભિગમ સાથે ચાલતી સરકાર દ્વારા સર્વાંગી વિકાસ ક્ષેત્રે ચાલી રહેલી કવાયત વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોએ તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ રાજકોટ જિલ્લા અને શહેરના વિકાસ માટે જરૂરી એવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને ટીમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ રાજકોટ જિલ્લા માટેની જરૂરીયાતો અને વિકાસ કામોની મહત્વની વિસ્તૃત ચર્ચામાં ખાસ ન્યારી-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની રજૂઆત કરી હતી. તાજેતરના ચોમાસામાં કુદરતની ભરપુર મહેર વરસી છે અને રાજકોટના તમામ જળાશયોમાં પાણીની ભરપુર ભંડાર ભરેલા છે ત્યારે ખેડૂતોના સર્વાંગી વિકાસને વરેલી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમને ધ્યાને લઈ રાજકોટ જિલ્લાને ન્યારી-૨માંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની ધારદાર રજૂઆત કરી હતી. ન્યારી-૨માં ભરપુર પાણી ભરેલ છે ત્યારે જો સિંચાઈની જરૂરીયાત વાળા ખેડૂતોને ન્યારી-૨ ડેમમાંથી પાણી આપવામાં આવે તો શિયાળુ પાકમાં બમ્પર ઉત્પાદન થવાની આશા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોની સિંચાઈની જરૂરીયાતોને ધ્યાને લેવા સંબંધીત ખાતાઓને સુચના આપી હતી. જિલ્લા ભાજપના આગેવાનોએ ન્યારી-૨ના સિંચાઈના પાણીની સાથે સાથે એક જમાનાનું સૌરાષ્ટ્રનું માનચેસ્ટર ગણાતું અને આપમેળે ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ક્ષેત્રે વિશ્ર્વભરમાં નામના કમાવી છે તેવા જેતપુરને સીધો જ ગેસ આપવાની જરૂરીયાત અંગે રજૂઆત કરી હતી. જેતપુરને ઝડપી ગેસ મળે તો ઉદ્યોગીક વિકાસમાં ચાર ચાંદ લાગી જાય. પાણી અને ઉર્જાની આવશ્યકતા વિકાસ માટે અનિવાર્ય છે. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને તેમની સાથે મુખ્યમંત્રીને મળેલા નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ રાજકોટના ખેડૂતો માટે ન્યારી-૨ના પાણીની જરૂરીયાત અને જેતપુર માટે ઝડપથી ગેસની આવશ્યકતાની સફળ રજૂઆત કરી જણાવ્યું હતું કે, અત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની સાથે સાથે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે વિકાસના દ્વાર ખોલવા માટે રાત-દિવસ એક કરીને પ્રગતિના પંથે દેશના ખેડૂતો અને ઉદ્યોગપતિઓને લઈ જવા કમરકસી રહી છે તેવા સંજોગોમાં રાજકોટ પંથકના ખેડૂતો માટે ન્યારી-૨નું સિંચાઈ માટેનું પાણી અને જેતપુરના ઉદ્યોગકારો માટે ઝડપથી ગેસની સવલત સમગ્ર પંથકને સમૃધ્ધિના નવા માર્ગ બતાવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને ટીમને બન્ને પ્રશ્ર્નોએ તાત્કાલીક અમલીકરણનો વિશ્ર્વાસ આપી જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને આવક બમણી કરવા માટે શકયત: તમામ પ્રયત્ન કરવા પ્રયત્નશીલ છે. જળાશયોમાં પડેલા પાણીનો સદઉપયોગ થાય તો ખેડૂતોને લાભ મળે તેમાં કાંઈ ખોટુ નથી. ન્યારી-૨ના પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે જેતપુર માટે ઝડપથી ગેસ મળી જાય તે વ્યવસ્થાની રજૂઆતને પણ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.