‘અબતક’ પરિવાર દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને હાર્દિક અભિનંદન
રાજયભરમાંથી કાર્યકરો અને આગેવાનો દ્વારા અભિનંદન વર્ષા
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે આજે સી.આર. પાટીલ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. લોકસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા હોય તેઓને પ્રમુખપદે યથાવત રાખવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. રાજયભરમાં ભાજપના આગેવાનોઅને કાર્યકરો દ્વારા લોકલાડીલા પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સાથો સાથે વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ર0 જુલાઇ 2020 ના રોજ નવસારીના સાંસદ સી.આર. પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે નિયુકિત કરવામાં આવી હતી. તેઓના ત્રણ વર્ષના કાર્યક્રળમાં ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક સફળતા મળી છે. વિધાનસભાની અલગ અલગ બેઠકોની પેટા ચુંટણી, સ્થાનીક સ્વરાજયની ચુંટણી ઉપરાંત ગત ડિસેમ્બર માસમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી સતત સાતમી વખત ગુજરાતમાં સત્તારૂઢ થયું છે. તેઓની ત્રણવર્ષની મુદત આજે પૂર્ણ થઇ રહી છે. ભાજપના પક્ષના બંધારણ મુજબ પ્રમુખની મુદત ત્રણ વર્ષની રહેલી હોય છે. જો કે મુદતમાં વધારો કરવામાં આવતો હોય છે.
લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર આઠથી નવ માસનો સમય બાકી રહ્યો છે. ત્યારે સી.આર. પાટીલને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આજે રાજયસભરમાં ભાજપના કાર્યકરો દ્વારા પ્રમુખપદે સી.આર. પાટીલને ત્રણ વર્ષ પૂર્ણ થતા સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સી.આર. પાટીલની જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે કોઇને કલ્પના પણ નહિં હોય કે આ વ્યક્તિ સંગઠનને એક નવી જ ઉંચાઇએ પહોંચાડી દેશે. પ્રમુખ બન્યા બાદ જ્યારે તેઓએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે લીધી હતી ત્યારે મુક્તમને વાતચિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનું સંગઠન વર્ષોથી ખૂબ જ મજબૂત છે.
બિલ્ડીંગ તો અડીખમ હતી જ મેં માત્ર રંગરોગાનનું કામ કર્યું છે. જે રીતે ચુંટણી કમિશનરની સત્તા શું હોય શકે તે વાત દેશવાસીઓને ટી.એન.શેષાને દેશવાસીઓ અને અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓને સમજાવી બસ તેજ રીતે સી.આર.પાટીલે કાર્યકરો અને અધિકારીઓને એ વાતથી અવગત કરાવ્યા કે કોઇપણ રાજકીય પક્ષના પ્રમુખની સત્તા શું હોય શકે. અત્યાર સુધી અધિકારીઓ માત્ર સરકારમાં રહેલા હોદ્ેદારોનું જ સાંભળતા હતા. પરંતુ પાટીલેએ પ્રસ્થાપિત કર્યું કે લોકસેવા કરવા અને લોકોની સમસ્યા હલ કરવા માટે સંગઠનના હોદ્ેદારો જો સૂચના આપે તો તેનું પણ પ્રજાના સેવક તરીકે અધિકારીઓએ પૂરી નિષ્ઠાથી પાલન કરવું જોઇએ.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સી.આર.પાટીલની પ્રશંસા કરી હતી. તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તે નિશ્ર્ચિત જેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર 8 થી 9 માસનો સમય બાકી રહ્યો હોય આવામાં જો ગુજરાતમાં સંગઠનમાં ફેરફાર કરવામાં આવે તો ચૂંટણી પર તેની અસર થાય તેવી સંભાવના દેખાઇ રહી છે. જો 2024ની લોકસભાની ચુંટણીમાં ફરી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ એન.ડી.એ.ની સરકાર બનશે તો સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આટલું જ નહિં તેઓને ખૂબ મોટો પોર્ટફોલીયો આપવામાં આવશે.
આજે પ્રદેશ પ્રમુખ તરીકેની તેઓની ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાત ભાજપના ઇતિહાસના તેઓ સૌથી સફળ અને સક્ષમ પ્રમુખ તરીકે ઉભરી આવ્યા છે. તેઓએ એક-એક બૂથને જીતવા માટે પેજ સમિતિની રચના કરી છે. જેની સરાહના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કરી ચૂક્યા છે અને અન્ય રાજ્યોના ભાજપના પ્રમુખને પણ આ મોડેલ અપનાવવા હાંકલ કરી છે.