ઈન્કમટેકસ ચીફ કમિશનર અજય દાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન કરાયું
કરદાતાઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ માત્ર ૧૫ દિવસમાં લાવવાનો આદેશ કરતા ચીફ કમિશનર
રાજકોટ આવકવેરા વિભાગ ખાતે ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતુ. બપોરના ૩ થી ૪ દરમિયાન કરદાતાઓ દ્વારા પૂર્વ અપોઈન્મેન્ટ લેવામાં આવી હતી અને તેમને મુંઝવતા પ્રશ્નોને ચિફ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ સમક્ષ રજૂ પણ કર્યા હતા.
હાલ આવકવેરા વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી હોય તેને લઈ કરદાતાઓમાં ડરનો માહોલ પ્રસ્થાપિત થતો હોય છે અને કરદાતાઓ પોતાની સમસ્યા કોને કહે તે પણ મુખ્ય પ્રશ્ન ઉદ્ભવીત થતો જોવા મળે છે. વાત કરવામાં આવે રાજકોટના ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મહેરોત્રા દ્વારા જયારથી સીસીઆઈટીનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓએ ઓપન હાઉસ યોજતા કરદાતાઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે અજયદાસ મહેરોત્રાની અધ્યક્ષતામાં આ બીજુ ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરદાતાઓ, તેમના પ્રતિનિધિ અને વ્યવસાયીકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આ ઓપન હાઉસમાં કરદાતાઓ દ્વારા જે ફરિયાદો કરવામાં આવી તેનું ત્વરીત નિરાકરણ માત્ર ૧૫ દિવસમાં લાવવાનો અજયદાસ મહેરોત્રાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.માત્ર ફરિયાદો જ નહીં પરંતુ કરદાતા કે તેમના પ્રતિનિધિ દ્વારા જે પણ સુચનો આપવામાં આવ્યા તેને પણ ચિફ કમિશનર દ્વારા ત્વરીત અમલમાં મુકવા માટે આવકવેરાના અધિકારીઓને સુચના પણ આપી હતી.
હાલ ટેકસ પેયરો એટલે કે કરદાતાઓએ રીફંડ, એટેચમેન્ટ, ટેકસ એસેસમેન્ટ જેવા વિવિધ પ્રશ્નો સાથે તેઓ ઓપન હાઉસમાં ભાગ લીધો હતો. ગત ઓપન હાઉસની વાત કરવામાં આવે તો ૧૨ કરદાતાઓ પોતાના સતાવતા પ્રશ્નોને લઈ સીસીઆઈટી સમક્ષ રજૂ કર્યા હતા. જેનો ત્વરીત નિકાલ થતાં લોકોમાં આવકવેરા વિભાગ પ્રત્યેની જે છાપ પ્રસ્થાપિત થઈ હતી તે પણ દૂર થઈ છે. ત્યારે આ ઓપન હાઉસમાં ૧૦ જેટલા કરદાતાઓ પોતાના પ્રશ્નોને લઈ આવ્યા હતા. જેનું ત્વરીત નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું.
આ ઓપન હાઉસ બાદ એક વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, રાજકોટના કરદાતાઓને ખૂબજ ઓછા પ્રશ્ર્નો આવકવેરાને લઈ ઉદ્ભવીત થતાં હોય છે જે કોઈ ટેકનીકલ કારણોસર કરદાતાઓને તકલીફ પડતી હતી તેનું ત્વરીત નિરાકરણ લાવવામાંઆવ્યું હતું અને ઓપન હાઉસમાં ઉપસ્થિત રહેલા બે કરદાતાઓના પ્રશ્ન ગંભીર હોવાના કારણે તેને લાગતા અધિકારીઓને પણ ચિફ કમિશનર દ્વારા લેખીત પત્ર પાઠવી તેના પ્રશ્નોનું નિરાકરણ માત્ર ૧૫ દિવસમાં લાવવાનું સુચન કર્યું હતું. એટલે કયાંકને કયાંક કહી શકાય કે રાજકોટમાં આવકવેરાને લઈ લોકોને ખરા અર્થમાં જાગૃતિ આવી ગઈ છે જે ઓપન હાઉસ ખાતે પ્રસ્થાપિત થયું છે.