ગોંડલના સમીરને આંખની પીડામાંથી કાયમી મુકિત: સિવિલની સારવાર અંગે સંતોષ વ્યકત કરતો દર્દીનો પરિવાર
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરાનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર અને નિદાનની સાથે રોગના મૂળમાં જઇ તેની સારવાર કરવા માટે તબીબોની ટીમ કામ કરી રહી છે.ગોંડલના ૧૬ વર્ષના સમીર ગફારભાઇની આંખમાંથી પાણી અને રસી નીકળવાની સાથે આંખની કીકી ડાબી બાજુ ખસી રહયાની ફરિયાદનું રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીઓએ સચોટ નિદાન કરી આંખની પાછળના ભાગે ઓપરેશન કરતા આ કિશોરને આંખની પીડામાંથી મુકિત મળી છે. સમયસર સારવાર મળી જતા અને બાળકની આંખ બચી જતા દર્દીના પરિવારજનોએ સરકારી સેવા સાથે તબીબોનો આભાર માન્યો હતો.
રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી વિભાગના પ્રોફેસર અને દર્દીનું ઓપરેશન કરનાર ડો. સેજલ નરેશકુમાર મિસ્ત્રીએ જણાાવ્યું હતુ કે, ગોંડલના સમીર ગફારભાઇ ઉ.વ.૧૬ને ત્રણ મહિનાથી આંખમાં સોજો રહેતો હતો. સોજા પછી આંખમાંથી પાણી નીકળતુ હતુ. આ ઉપરાંત આંખનો ડોળો કીકી સાથે ડાબી બાજુ ખેચાતો હોવાની પણ ફરિયાદ હતી.
ડો. સેજલબેને વધુંમાં જણાવ્યું કે આ બાળકના નાકમાં દૂરબીન નાંખતા નાકમાં દુરબીન જઇ ન શકે એ રીતે નાકનો પડદો જોવા મળતા અને નાકનું છીદ્ર સાંકડું થઇ જતા મગજની બાજુમાં કંઇક હોવાનુ પ્રાથમિક રીતે જણાાતા સીટી સ્કેન કરવામાં આવતા વિવિધ રીપોર્ટના આધારે નિદાન થયું હતુ.
તબીબના જણાવ્યા અનુસાર આ બાળકના નાક અને આંખની વચ્ચે ૯ સેમીની મોટી ગાંઠ જોવા મળી હતી. આ ઉપરાંત ગાંઠમાં ૧૦ એમએલ જેટલુ રસી પણ હોય અને ગાંઠ વધારે સમય રહે તો મગજને અસર અને બીજા જોખમી કોમ્પ્લીકેટસ ન થાય તે માટે ચીવટતાપુર્વક અને સારી રીતે ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. આ ઓપરેશન થઇ જતા સમીરને આંખ પરનો સોજો ઉતરી ગયો છે.દુખાવો પણ થતો નથી.
ડો. સેજલબેને બાળકોના વાલીઓને જાગૃત કરતા જણાવ્યું હતું કે બાળકોને આંખમાં સોજો કે પાણી પડતું હોય કે નાક આસપાસ તકલીફ રહેતી હોય તો હળવાશથી ન લેવાના બદલે નિષ્ણાતો પાસે નિદાન કરાવવું જોઇએ. સારવારમાં મોડું થાય તો ગંભીર પરીણામ આવી શકે છે.સિવિલમાં આ પ્રકારના રોગોના ઓપરેશન સચોટ નિદાન સાથે સારી રીતે કરવામાં આવે છે.