દુનિયાભરમાં હેમેન્જીયો બ્લાસ્ટોમા નામના રોગથી સૌથી વધુ સર્જરી કરતા ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો
ગોકુલ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં વારસાગત ગાઠથી પીડાતા એક જ પરિવારના ૭ સભ્યોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. વિશ્વમાં હેમેન્જીયો બ્લાસ્ટોમા નામથી ઓળખાતા આ રોગની સૌથી વધુ સર્જરી કરવાની સિદ્ધી ગોકુલ હોસ્પિટલના તબીબોએ હાંસલ કરી છે.
ત્યારે આ અંગે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, ડાયરેકટર ડો.તેજસ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢા, ડો.કૌશિક પટેલ, ડો.વિક્રાંત પૂજારી,ડો.જીગરસિંહ જાડેજા, ડો.અનિશ ગાંધી, ડો.મંગલ દવે, ડો.દુષ્યંત સાકરીયા, ડો.મેહુલ ચૌહાણ અને ડો.કલ્પેશ બજાણીયાએ વિસ્તૃત વિગતો આપી હતી.
તાલાળાના અનિડાગામના રહેવાસી રામશીભાઈ પરમારનો પરિવાર વારસાગત ગાઠથી પીડાતો હતો. મગજમાં થતી આ ગાઠને હેમેન્જીઓ બ્લાસ્ટોમા નામથી ઓળખવામાં આવે છે. આ પરિવારના કુલ ૭ સભ્યોને આ રોગ વારસાગત મળ્યો હતો. જેની સફળ સારવાર ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ કરી છે. ૭ સભ્યોની કુલ ૧૦ સર્જરીઓ સફળતાપૂર્વક ગોકુલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ અંગે પ્રકાશ મોઢાએ જણાવ્યું કે, જેનેટીક ડિફોમીટી જીન મગજના નાના કોષને નુકશાન પહોંચાડે છે.
આ સાથે જીન્સમાં ડિફેકટ હોવાના કારણે લોહીની નળીમાં ડિફેકટ આવે છે જેથી લોહીની નળી ગુંચળુ વળી જાય છે અને તે ગાઠનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ ગુંચળામાંથી ધીમુ પાણી પણ વહે છે તે પાણી નાના મગજમાં જમા થાય એટલે દર્દીનેમાથુ દુ:ખે, ઉલ્ટી થાય, બેલેન્સ ન રહે આવી બધી તકલીફો થાય છે. આ બીમારીની સારવારમાં ઓપરેશન કરીને નોડયુલ કાઢી નાખવામાં આવે છે. નોડયુલ નીકળી જાય એટલે દર્દી કયોર રહે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, દર ૩૦,૦૦૦માં એક વ્યક્તિને આ પ્રકારની હેમેન્જીયો બ્લાસ્ટોમા નામની બિમારી થાય છે. આ બિમારીને અટકાવવા માટે મોડીફાઈડ જીન થેરાપી પર હાલ રીસર્ચ ચાલુ છે. આ રીસર્ચ ઓસ્ટ્રેલીયામાં થઈ રહ્યું છે પરંતુ આ રીસર્ચથી પરિણામ મળ્યું હોવાનું સામે આવ્યું નથી. આશા રાખીએ છીએ કે નજીકના ભવિષ્યમાં આ બિમારીમાં કંઈક પરિણામ આવે અને આ રોગને થતો અટકાવી શકીએ.