ખુંખાર ગેડીયા ગેંગ પર ત્રાટકતી સુરેન્દ્રનગર પોલીસ
જવામર્દ પી.એસ.આઇ. જાડેજાએ સ્વબચાવમાં કરેલા ફાયરીંગમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ અને હાઇ-વે પર ચાલુ ટ્રકમાં ચોરી કરવાના 86 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત પિતા-પુત્ર ઠાર
મૃતક હનીફખાને કરેલા ત્રણ રાઉન્ડ ગોળીબાર અને તેના પુત્રએ પોલીસ પર કરેલા હુમલામાં પી.એસ.આઇ. જાડેજા સહિત સાત ઘાયલ: બે પાડોશી મહિલાને સામાન્ય ઇજા, ઇન્ચાર્જ એસ.પી.એચ.પી.દોશીએ એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવ્યો
ઝાલાવડ પંથકની કુખ્યાત ગેડીયા સહિતની અનેક ગેંગોની દાદાગીરીના કારણે કથળેલા કાયદો અને વ્યવસ્થા પુન: પ્રસ્થાપિત કરવા રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંઘ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા અને ડીવાયએસપી એચ.પી. દોશી સહિતના અધિકારીઓએ બીડુ ઝડપ્યું હોય તેમ ગુંડાઓને નેસ્ત નાબૂદ કરવા અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત ગેડીયાના ખુંખાર પિતા-પુત્રને એન્કાઉન્ટરમાં ઠાર કરતા પોલીસતંત્ર પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.
સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને અમદાવાદના હાઇ-વે પર પ્રસાર થતા ટ્રકની તાલપત્રી તોડી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ગેડીયા ગેંગ સામે ગુજશીટોક હેઠળ ગુંનો નોંધી અને શખ્સોને રાજ્યની જુદી-જુદી જેલ હવાલે કરાયા છે ત્યારે પોલીસ પર હુમલો કરવાના અને ગુજશીટોક સહિત 86 ગુંનામાં સંડોવાયેલા હનીફખાન પોતાના ઘરે આવ્યાની બાતમીના આધારે પી.એસ.આઇ. બજાણા પોલીસ મથકના જવામર્દ પી.એસ.આઇ. વી.એન.જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ગેડીયા ગામે દોડી ગયો હતો ત્યારે તેમના પર થયેલા ખૂની હુમલાના સ્વબચાવમાં કરાયેલા બે રાઉન્ડ ફાયરીંગમાં ખુંખાર પિતા-પુત્ર ઠાર થયા હતાં.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજાણાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન. જાડેજા અને તેમની ટીમે ગઈ કાલે રાત્રિના પાટડી તાલુકાના ગેડીયા ગામે બે મોસ્ટ વોન્ટેડ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કરતાં સમગ્ર ઝાલાવાડ પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર મામલે બજાણાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એન. જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગત તારીખ છઠી નવેમ્બરના રોજ પોલીસને બાતમી મળી હતી કે ગેડીયા ગામે રહેતો અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અને હાઈવે ચોરી તથા લૂંટ તેમજ શરીર સબંધી 86 ગુનાઓમાં શામેલ અને 59 જેટલા ગુનાઓમાં વોન્ટેડ આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો જતમલેક પોતાના ઘરે આવ્યો હતો. જે બાતમીના આધારે 6 પોલીસ કર્મીઓની ટીમ રાત્રિના 8 વાગ્યે કુખ્યાત આરોપીને દબોચવા પહોંચી હતી.
તે દરમિયાન આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો પોતાના ઘરની બહાર જ મળી આવ્યો હતો. જેને પકડવા જતાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નાએ પીએસઆઇ વી.એન.જાડેજા સહિત પોલીસ પર પોતાની પાસે રહેલા હથિયાર માંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેના વળતાં પ્રહારમાં બજાણાં પોલીસ સ્ટેશનની ટીમે સામે ફાયરિંગ કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્ના પર પોલીસે ફાયરિંગ કરતાં તેના પુત્રએ મદિમ ખાને પણ પોલીસ પર લોખંડ ધારીયાથી હુમલો કર્યો હતો જેના જવાબમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં વોન્ટેડ આરોપી હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેનો પુત્ર ઠાર માર્યા ગયા હતા.
કુખ્યાત આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદિન દ્વારા થયેલા હુમલામાં કુલ છ પોલીસકર્મચારી ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા છે. જ્યારે બે પોલીસકર્મની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ આરોપીઓએ કરેલા ગોળીબારમાં પાડોશમાં રહેતી બે મહિલાઓ પણ ઘવાઈ હતી. પરંતુ જાંબાઝ પીએસઆઇ વી.એન.જાડેજાએ પોતાની હિંમત અને સૂઝબૂઝથી મહિલાઓને બચાવી લેવાઈ હતી.
20માંથી 17 ગુજસીટોકના આરોપીઓની અટક સુરેન્દ્રનગર ઇન્ચાર્જ એસપી હિમાંશુ દોશી
સુરેન્દ્રનગર ગેડિયા ગામના કુખ્યાત આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદિન એન્કાઉન્ટરમાં ઠાર માર્યા ગયા હતા. જેમાં હાલ સુરેન્દ્રનગર ઇન્ચાર્જ એસપી હિમાંશુ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ ઘટના વિશે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે,” માલવણ પાસે ગેડિયા ગેંગના 20 સાગરીત પર ગુજસીકોટનો ગુનો દાખલ હતો, જેમાંથી 17ની અટક થયેલી છે પરંતુ 86 ગુના દાખલ છે.
તેવા હનીફખાન 59 ગુન્હામાં ફરાર હતો. આરોપી ગામમાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસ પકડવા ગઈ હતી. તે દરમિયાન કુખ્યાત આરોપી અને પોલીસ વચ્ચે અથડામણ થતા મામલો સામ-સામે ફાયરિંગ સુધી પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા થયેલા ફાયરિંગમાં મોસ્ટ વોન્ટેડ આરોપી હનીફખાન અને તેના પુત્ર મદિનને ઠાર માર્યા હતા.
પોલીસ પરનો હુમલો ગંભીર બાબત રેન્જ આઇ.જી. સંદીપસિંઘ
માલવણ ગામે ગેડીયા ગામના શખ્સો દ્વારા હાઇ-વે પર થતી ચોરીના અસંખ્ય ગુંનામાં સંડોવણી ઉપરાંત પોલીસ પર હુમલા ખૂન અને ખૂનની કોશિષ સહિતના ગુંનાના કારણે તાજેતરમાં ગેડીયાના 20 શખ્સો ગુજશીટોક હેઠળ ગુંનો નોંધ્યાનું રેન્જ આઇ.જી. સંદીપસિંઘ જણાવ્યું હતું.
ગેડીયા ગેંગના 17 શખ્સોની ધરપકડ કરી રાજ્યની જુદી-જુદી જેલ હવાલે કરાયા છે. સમગ્ર ગેંગનો સુત્રધાર હનીફખાને પોલીસ પર કરેલા ખૂની હુમલાના સ્વબચાવમાં ઠાર થયો છે. બંને મૃતકના મૃતદેહ પરિવારે સ્વીકારી અંતિમવિધી કરી હોવાનું સંદીપસિંઘ જણાવ્યું છે. ઘવાયેલા પી.એસ.આઇ. જાડેજા સહિતના સ્ટાફના ખબર અંતર પૂછ્યા છે.