વિવિધ વિભાગનાં પાંચ હજારથી વધુ કર્મચારીઓએ દિવસ રાત એક કર્યા: મહેનત રંગ લાવી
જૂનાગઢ જિલ્લામાં કલેકટર, આરોગ્ય તથા પોલીસ તંત્રના વ્યવસ્થિત સંકલનથી કોરોનાને કાબુમાં લેવામાં સફળતા મળી છે. સરકારના વિવિધ વિભાગનાં પાંચ હજારથી વધુ કર્મચારીઓએ કોરોનાને કંટ્રોલમાં રાખવા દિવસ રાત એક કર્યા હતા.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનું સ્પષ્ટ માર્ગદર્શન, મનપા કમિશનર તુષાર સુમરાની સતત દોડધામ, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીની કુનેહ, જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કાયદાની ચુસ્ત અમલવારી સાથે જિલ્લાના ચારેય આધાર સ્તંભ સમાન અમલદારોએ પોતાના સાથી અધિકારીઓ, કર્મીઓના ટીમવર્કથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાને કંટ્રોલમાં લેવા સફળતા હાંસલ કરી.
આરોગ્ય વિભાગ, પોલીસ, પંચાયત વિભાગ, પીજીવીસીએલ, જિલ્લા ઉધોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ, સહિત જિલ્લા તંત્રની તમામ ઓફિસો મળીને પાંચ હજારથી વધુ કર્મચારીઓએ કોરોનાને કંટ્રોલમાં રાખવા દિવસ રાત એક કરી પોતાનું અવિરત યોગદાન આપ્યું છે, આપી રહ્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણ રોકવા માટે નોંધનીય કામગીરી આંગણવાડીની બહેનો અને આશા વર્કર બહેનોની રહેવા પામી છે, તો આરોગ્ય વિભાગના તમામ ડોકટરો સહિત ફિલ્ડમાં કાર્યરત આરોગ્ય વર્કરોએ કાબીલેદાદ કામગીરી કરી છે. લોકડાઉનના વિવિધ તબક્કા દરમ્યાન જિલ્લાના ૧૨.૩૨ લાખ લોકોના ઘરે-ઘરે જઈ સર્વે સાથે હેલ્થ ચેક અપ કરાયું. સતત ફિલ્ડ વર્ક અને મોનીટરીંગ થી કોરોના કાબૂમાં રહ્યો. અને તા.૧૧ જૂન સુધી જિલ્લાનાં માત્ર ૩૩ અને બહારના જિલ્લાના ૫ કેસ નોંધાયા છે. જે પૈકી ૨૯ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ કરાયા છે. એક મૃત્યુ નોંધાયું છે. બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગ બાદ રેવન્યુ તંત્રએ ખુબજ મહત્વની ફરજ બજાવી. કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવા. લોકોને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો પુરવઠો સતત મળતો રહે.પરપ્રાંતિય શ્રમિકોની ઘર વાપસીથી લઈને કંટ્રોલ રૂમ પર થતાં સતત ફોનના મારાનું નિરાકરણ કરવું. જરૂરીયાત મુજબ પાસ આપવા, આ તમામ કામગીરી સુપેરે નિભાવી. લોક ડાઉન દરમ્યાન ૮ જેટલી ટ્રેન ૫૦૦ થી વધુ બસ તથા અન્ય નાના મોટા વાહનો દ્વારા ૩૬૧૯૫ પરપ્રાંતિય શ્રમિકોને સલામત રીતે માદરે વતન પહોંચાડવાની કપરી કામગીરી પાર પાડી, ૧૪૧૬૯ જેટલા પાસ ઇસ્યુ કર્યા અને ૭.૯૦ લાખ ફૂડ પેકેટનું સામાજિક સ્વૈરછીક સંસ્થાઓના સહયોગથી વિતરણ કરાયું.