ખૂલ્લી ગટરો, બિસ્માર રસ્તાઓ, બગીચા, પોલીસ ચોકી, બેંક લાયબ્રેરી સીટીબસ વગેરે જેવી સુવિધાઓથી લોકો વંચિત
દૂધરેજ ગ્રામ પંચાયતન સુરેન્દ્રનગર પાલિકામાં સમાવવામાં આવી હતી. ૨૬ વર્ષ થવા છતાં દૂધરેજ ગામનો વિકાસ થયો નથી. ગામમાં રસ્તા, ગંદકીની સમસ્યા જૈસે થે છે. દૂધરેજ શહેરની સમસ્યાઓને લઇને શહેરના નાગરીકે રાજ્યપાલને લેખિત રજૂઆત કરી છે. જેમાં દૂધરેજના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરાઇ છે.
રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯-૧૧-૧૯૯૪ના રોજ દૂધરેજ ગ્રામ પંચાયતને સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભેળવવામાં આવી હતી. ત્યારબાદથી સુરેન્દ્રનગર શહેરનો કુદકે અને ભૂસકે વિકાસ થયો છે. પરંતુ દૂધરેજ ગામના લોકો હજુ પણ જાણે ગ્રામ્ય પંથકમાં જીવતા હોય તેવુ જીવન વીતાવી રહ્યા છે. વિનોદભાઇ મકવાણાએ રાજયપાલને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ દૂધરેજમાં હજુ પણ અનેક સ્થળે ખૂલ્લી ગટરો આવેલી છે. આથી ભૂગર્ભ ગટરના બાકી કામો પુરા કરાવવા જોઇએ. આરોગ્ય સેવાઓ માટે ગામના લોકોએ સુરેન્દ્રનગર લાંબુ થવુ પડે છે.
દૂધરેજમાં કોઇ સ્થળે બાગ બગીચા કે લાયબ્રેરી બનાવાઇ નથી. દૂધરેજમાં કાર્યરત તલાટીની ઓફિસ થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ખસેડી દેવાઇ છે. દૂધરેજમાં ભૂગર્ભ ગટરના કામો બાકી હોઇ હજુ રસ્તા પણ બિસમાર છે. દૂધરેજના સ્મશાનગૃહમાં કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધા નથી. દૂધરેજ રોડ પર આવેલ બસ સ્ટેન્ડ પણ જર્જરિત હાલતમાં છે. દૂધરેજમાં સ્વચ્છતા પણ નિયમિત થતી નથી. વિસ્તારોમાં કચરાના ઢગ જેમના તેમ પડયા હોય છે. વસ્તીની દૃષ્ટીએ મોટો વિસ્તાર હોવા છતાં દૂધરેજમાં કોઇ બેંક નથી.
સીટીબસો ચાલુ હતી ત્યારે દૂધરેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ, નોકરિયાતોને રાહત હતી. જે બંધ થતા તેઓને ખાનગી વાહનોમાં ભાડા ખર્ચીને સુરેન્દ્રનગર આવવુ પડે છે. આથી પાલિકા દ્વારા સીટીબસની વ્યવસ્થા કરવી જોઇએ. જિલ્લા પોલીસ વડાને અગાઉ દૂધરેજમાં પોલીસ ચોકી બનાવવા પણ રજૂઆત કરાઇ હતી. જે પણ ધ્યાને લેવાઇ નથી. ધ્રાંગધ્રા અને વણા તરફ જતા ત્રિ-રસ્તા પર પોલીસ ચોકી બનાવવાની માંગ છે. હાલમાં વઢવાણ પાલીકાનું વીલીનીકરણ કરી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા જાહેર કરાઇ છે. ત્યારે આવનારા દિવસોમાં વઢવાણની દશા પણ દૂધરેજ જેવી ન થાય તેવી કાર્યવાહી કરવા રજૂઆતના અંતે માંગ કરાઇ છે.