માઈનિંગના તુટી ગયેલા પાળામાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા રસ્તાઓનું નિકંદન નીકળી ગયાની રાવ
વેરાવળ તાલુકાના કુકરાશ ગામે અંબુજા સિમેન્ટ ફેકટરીની માઈનિંગ કાર્યરત છે જેમાં મસમોટા ખાડા પડી ગયા હોય અને ચોમાસાની સિઝન દરમિયાન આ ખાડામાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે. હાલ વધુ વરસાદ થયો હોવાના કારણે માઈનિંગનો પાળો તુટી ગયો છે જેથી ભારે પાણીની આવક થઈ છે. પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ગ્રામજનો દ્વારા લોકફાળો કરીને બનાવવામાં આવેલ રસ્તાઓનું નિકંદન નિકળી ગયું છે. એક બાજુ અંબુજા કંપની દ્વારા ગામમાં કોઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. પરંતુ ગામના લોકો દ્વારા જયારે લોકફાળો કરીને રસ્તા બનાવવામાં આવે છે તો આ રસ્તાનું માઈનિંગના કારણે નિકંદન નીકળી ગયું હોવાથી અંબુજા કંપની દ્વારા જ તાત્કાલિક ધોરણે રસ્તાઓનું નવીનીકરણ અથવા તો સમારકામ કરી આપવામાં આવે તેવી નમ્ર અપીલ છે. જો યોગ્ય નહીં કરવામાં આવે તો અંબુજા ખાનગી કંપની વિરુઘ્ધ ગ્રામજનોને આંદોલન કરવાની ફરજ પડશે તેમ જાગૃત નાગરીક જગદીશ વાળાએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.