“ભાવનગર મહારાજા વખતસિંહ ઉર્ફે આતાભાઈએ તળાજાના કિલ્લા ઉપર હુમલો ઝીંકી દઈ સાતમે દિવસે વિજય મેળવી તળાજાને ભાવનગર રાજ્યમાં ભેળવી દીધુ !”
અનિચ્છાએ પણ ફોજદાર જયદેવે તળાજા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી. તળાજા ઉપર કુદરતનો ખાસ પ્રેમ હોય તેમ વરસાદ તો વધારે પડે જ પરંતુ શેત્રુંજી નદી અને તેની કેનાલોનો લાભ અને ખંભાતના અખાતના દરિયાકાંઠે આવેલ હોય ખુશ્નુમાં આબોહવાનો પણ લાભ મળતો અને વળી તેના કારણે ખેતીવાડી પણ સમૃધ્ધ હતી તો વળી ભૌગોલીક રીતે પણ નદીઓ પહાડો અને દરીયાકાંઠાના કારણે કુદરતી સૌદર્ય થી ભરપુર હતો. તળાજા તાલુકામાં તે સમયે તળાજા ઉપરાંત દાઠા અને અલંગ એમ ત્રણ પોલીસ સ્ટેશનો આવેલા હતા તે સમયે તળાજા પોલીસ સ્ટેશનમાં બાવન ગામ હતા જેની વહેંચણી બે ગામડા બીટ એક દિહોર આઉટ પોસ્ટ ત્રીસ ગામનું અને એક તળાજા ટાઉન બીટએ રીતની હતી. દિહોર ઓ.પી.ના ત્રિસ ગામનો ચુંટણી સમયે ઘોઘા વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ થતો હોય જેથી ઘોઘાના ધારાસભ્ય આ દિહોર વિસ્તારના બનતા બનાવોમાં વધારો પડતો રસ લેતા. જયારે તળાજાના ધારાસભ્ય શાંત અને નમ્ર પ્રકૃતિના હતા અને પોલીસના કાર્યોમાં ન્યાયીક વલણ અપનાવી સહકારભર્યુ વર્તન રાખતા.
તળાજા ટાઉનમાંથી જ ભાવનગર થી મહુવા પીપાવાવ જાફરાબાદ તરફ જતો કોસ્ટલ હાઈવે પસાર થતો હતો. રાજાશાહિમાં ભાવનગર મહુવા વચ્ચે ચાલતી નેરોેગેજ રેલ્વે ટ્રેન (બાબા ગાડી) તો બંધ થઈ ગઈ હતી. તેથી તળાજા રેલ્વે સ્ટેશનના મકાનમાં સ્ટેશન માસ્ટર રૂમમાં સીપીઆઈ કચેરી અને અન્ય રૂમ આરામકક્ષ બની ગયો હતો !
આઝાદી પછી બનેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમની કેનાલોના પાણીનો લાભ આ તાલુકાના ખેડુતોને સૌથી વધારે મળતો હોય સમૃધ્ધ ખેતીને કારણે જનતા પણ સુખી અને સમૃધ્ધ હતી. તો વળી અલંગમાં શીપ બ્રે્રકીંગ જહાજ વાડો થતા તેને આનુસંગીક ઉધોગોને કારણે પણ આર્થિક સંપન્નતામાં વધારો થયેલ. આથી આ તાલુકાની ગુનાખોરીનો આંક પણ તે પ્રમાણે જ હોય તે સહજ બાબત હતી જેમ ગોળ હોય ત્યાં માખો આવે તેમ ગુનેગારો પણ આવી જાય !
તાલુકામાં ઐતિહાસીક, ધાર્મિક અને ફરવાના સ્થળો પણ આહ્રિતિય છે. તળાજાનું રાજાશાહિ વખતે ધમધમતુ સરતાનપર બંદર તો અલંગના વિકાસને કારણે સાવ ઢંકાઈ ગયુ હતુ હવે તો ફકત માછીમારી અને દરીયાકાંઠે બાવળના ઝુંડોમાં દેશીદારૂની ભઠ્ઠીઓ જ ચાલતી હતી. તળાજા શહેરની મધ્યમાં આવેલો તળાજીયો ડુંગર ઐતિહાસીક દૃષ્ટિએ અહ્રિતિય છે. પર્વત નાનો પણ તે હજારો વર્ષનો ધાર્મિક અને ઐતિહાસીક વારસો સાચવીને ઉભો છે. ડુંગરના શિખર ઉપર જૈન ધર્મના વિશાળ મંદિરો છે. જૈનો આ પર્વતને તાલધ્વજગીરી તરીકે ઓળખે છે. પગથીયા ચડતા પર્વત ઉપર અડઘે પહોંચતા ગુફામાં આવેલ ખોડીયાર માતાજીનું મંદિર આવે છે. પશ્ર્ચિમે બૌધ્ધ સાધુઓએ હજારો વર્ષ પહેલા પર્વતને કોતરીને બનાવેલ ગુફાઓ જે વિવિધ પ્રકારની છે. જેમાં વિપશ્યના (તપ) કરવાના અલગ શુન્યાગાર, સભાખંડો રહેવાના રૂમો, રસોડાઓ તથા ગુફામાં જ ભુગર્ભમાં કોતરીને બનાવેલ વિશાળ પાણીના ટાંકાઓ પણ છે. આ પૌરાણીક અને ઐતિહાસીક ગુફાઓમાં સંપુર્ણ હવા ઉજાસ રહે અને સંપુર્ણ ખુલ્લી તો રહે પણ માઈલો દુર સુધી જોઈ પણ શકાય ! આ ગુફાઓથી થોડે દુર ઉત્તર દિશામાં એક એભલ મંડપ આવેલ છે. જે પહેલા સભાસ્થળ તરીકે જ વપરાતો હશે આ મંડપ પણ પહાડ કોતરીને ગુફા પ્રમાણે જ બનાવેલ છે. જેમાં એમ કહેવાય છે કે તળાજાના એભલ મંડપની પુર્વે બીજી ગુફાઓ છે જેમાં એક પુર્વાભિમુખ ખાસ હવા ઉજાસ વાળો ઓરડો છે તે અંગે એમ કહેવાય છે કે ભકત કવિ નરસિંહ મહેતાનું મોસાળ તળાજા હતુ અને નરસિંહ મહેતા તળાજામાં મામાને ઘેર રહી જાણતા ત્યારે પોતાના અભ્યાસનું કાર્ય અહિ આ ઓરડામાં આવીને કરતા જો કે આ ગુફાથી થોેડે નીચે જ તળાજા શહેરની વસાહતો આવેલી છે. આ પર્વતની પુર્વ દિશાના ઢોળાવ ઉપર એક દરગાહ આવેલી છે. આમ આ પર્વત ઉપર સનાતન હિન્દુ ધર્મ, જૈન, બોધ્ધ અને ઈસ્લામ તમામ ધર્મોના સ્થાનકો અસ્તિત્વ ધરાવે છે. આ પર્વત ઉપરની ગુફાઓ પુરાતત્વ ખાતાની દેખરેખ નીચે છે.
તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરીયાકાંઠે ઐતિહાસીક અને સુપ્રસિધ્ધ ગોપનાથ મહાદેવનું મંદિર આવેલ છે. મંદિરની સામે એક વિશાળ મંડપ જેવી જગ્યા છે એમ કહેવાય છે કે ભકત કવિ નરસિંહ મહેતાએ ભગવાન શ્રી શંકરની ખુબ આરાધના કરી પ્રસન્ન કરી ભગવાન શ્રી ક્રિષ્નનો ગોપીરાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાન શંકરે અહિ ભગવાન શ્રી ક્રિષ્નનો ગોપીરાસ દેખાડયો હતો. તેથી મહાદેવ ગોપનાથ કહેવાય છે. મંદિરની બાજુમાં દરીયાકાંઠે એકાદ કિલોમીટર દુર પશ્ર્ચિમે રાજાશાહિ વખતનો હવા ખાવાનો પેલેસ અને વિશ્રામગૃહ તથા દીવાદાંડી આવેલ છે. મંદિર તો વિશિષ્ટ પ્રકારનું છે તો દરીયો કાંઠો પણ અદ્ભુત છે તો બાજુમાં આવેલ ઝાંઝમેર ગામનો દરીયાકાંઠો તો યુરોપના દરીયાકાંઠા જેવો પહાડો અને દરીયાનો સમન્વય કરતો સુંદર છે નજીકમાં જ દરીયા કાંઠે ઉંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર આવેલ છે. તળાજાના ઠળીયા ગામથી પાંચ કિ.મી. ના અંતરે પ્રખ્યાત બાપા સીતારામ બજરંગદાસ બાપુનો બગદાણા વાળો આશ્રમ આવેલ છે તેની નજીકમાંજ સાંગાણા ગામે અંબીકા આશ્રમ આવેલ છે. આમ તાલુકો તમામ રીતે સમૃધ્ધ અને હર્યોભર્યોનો હતો જ ઉપરાંત ઉનાળામાં અસહ્ય ગરમીને બદલે દરીયાને કારણે આહલાદક વાતાવરણ પણ રહે છે.
ભાવનગર યુનિવર્સીટી પ્રકાશીત પુસ્તક ” ભાવનગર ક્ષેત્રની અસ્મિતા – ઈતિહાસ ભાગ-૧ માં જણાવેલ છે કે ઈ.સ. ૧૭૭૫ ના સમયે તળાજા શહેર ખંભાતના નવાબના તાબામાં હતુ અને તેનો સુબો નુરૂદ્દીન ખંભાતના નવાબ અને જુનાગઢના નવાબના નામે આસપાસના મુલકને દબડાવતો લુંટફાટ કરતો. પશુહિંસા કરતો અને હિદુઓને ત્રાસ આપતો. નુરૂદ્દીનના ત્રાસથી પ્રજા ગળે આવી ગઈ હતી. વળી ત્યાં ગૌ વધ પણ થવા લાગ્યો તેથી પ્રજા તેમજ આસપાસના ગોહિલો પણ ઉશ્કેરાયા હતા આથી તે સમયના ભાવનગરના મહારાજા વખતસિંહ ઉર્ફે આતાભાઈએ તળાજાના ક્લ્લિા ઉપર હુમલો ઝીંકી દીધો સાત દિવસ લડાઈ ચાલી આખરે ભાવનગરની તોપો આગળ તળાજાનો કિલ્લો ટકી શકયો નહિ અને તળાજા સર થયુ મહારાજા વખતસિંહે તળાજાનો વહિવટ તેમના સસરા ઢાંક (જી.રાજકોટ)ના ખીમભા વાળાને સોંપી બે ગામો ગોરખી અને દેવલી તેમને જીવાઈમાં આપેલા ત્યારી તળાજા દેવલી અને ગોરખીમાં વાળા દરબારોની વસ્તી થઈ આથી આ વિસ્તાર ત્યારથી વાળાક તરીકે ઓળખાવા લાગ્યો.
જયદેવે તળાજા પોલીસ સ્ટેશનમાં પોતાની જ પધ્ધતિ મુજબ વ્યવસ્થિત ટીમો બનાવી ગામડાની બંને બીટો તથા તળાજા ટાઉન બીટ અને ટ્રાફીક શાખાની કામગીરી સક્રિય રીતે આગળ ધપાવીને જનતામાં પોલીસની જાગૃતતા અને ગુનેગારોને પોલીસની આક્રમકતાનો અહેસાસ કરાવી દીધો. રાત્રીની ચોરીઓ અટકાવવા માટે ખાસ ચોરીના સંભવીત પ્રવેશ માર્ગો ઉપર ચકોર જવાનોને મુકીને ચોરો માટે સજજડ બંદોબસ્ત કર્યો.
તળાજા શહેરમાં આવતા દેશીદારૂના ઉદ્ભવ સ્થાનો નકિક કર્યા અને દારૂના કુવા જેવા ભઠ્ઠાઓનો જ નાશ કરવા માટે બીટ જમાદારો અને રાયટરો સાથે તેમની ઉપર ધોંશ બોલાવી સૌ પ્રથમ સરતાનપર બંદરના દરીયાકાંઠાની બાવળની કાંટોમાં ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કર્યો આથી બુટલેગરો નાસ્તા ભાગતા થઈ ગયા. બાદ કામરોળની પલાસ નદીની ભઠ્ઠીઓ ઉપર ત્રાટકીને ગુનેગારોને કાયદાનો આંતક કેવો હોય તે દર્શાવ્યુ. જે ગુનેગારો બુટલેગરો ઉપર ત્રણ થી વધારે દારૂના કેસો ભઠ્ઠી અને વેચાણના થયા તેમની વિરૂધ્ધ પાસા કાયદા તળે દરખાસ્તો કલેકટરને મોકલી આપતા અને ચુુંટણીના નગારા વાગવા જ માંડયા હોય આદર્શ ચુંટણી થાય તે માટે માહોલ તૈયાર કરવા માટે કલેકટર ભાવનગરે આવા બુટલેગરોના પાસાના ડીટેન્શન ઓર્ડર ઈસ્યુ ર્ક્યા અને જયદેવે પણ વિનાવિલંબે તેનો અમલ કરી ગુનેગારો ને રાજયની દુર દુર ની જેલમાં પાર્સલ કરી, તેમના કુંટુબીજનોને પણ મળવા જવુ હોય તો યાત્રા લાંબી થઈ જાય તેવી વ્યવસ્થા કરી દીધી. વળી તાલુકામાં જરૂરી લાયકાત અને ડિગ્રીવગરના રજીસ્ટ્રેશન વગરના ડોકટરોનો રાફડો ફાટયો હતો જે બોગસ ડોકટર કે જેને દેશી ભાષામાં ઉંટ વૈદ્યો કહે છે તેમને શોધી શોધીને ધી મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ-૩૦ મુજબ પકડી ગુન્હા નોંધીને જેલ ભેગા કર્યા આથી તાલુકાની સમગ્ર ગુનેગાર આલમમાં સન્નાટો અને ઘ્રાસ્કો પડી ગયો અને ધંધાદારી રાજકારણીઓમાં સોપો પડી ગયો.
પોલીસ ખાતામાં જવાનો દિવસ રાત સતત મુશ્કેલરૂપ ફરજો બજાવતા હોય છે અને તેમનું વ્યકિતગત જીવન ઘણુ કષ્ટમય રહેતુ હોય તેથી તે સમયની નવી રાષ્ટ્રવાદી સરકારે પોલીસ વેલ્ફેર ફંડ માટે, ઉદ્યોગપતિઓ, દાતાઓ પાસેથી ફાળો એકઠો કરવાની ખાસ પરવાનગી આપતો ઠરાવ કરેલો. આથી ભાવનગરના નિષ્ઠાવાન પોલીસવડાએ ભાવનગર જિલ્લાના પોલીસદળના વેલ્ફેર માટે ફંડ એકત્રીત કરવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. સામાન્ય રીતે આવા વેલ્ફેરના કાર્યક્રમો પણ નિષ્ઠાવાન અધિકારીના કાર્યકાળ દરમ્યાન જ થતા હોય છે. આ માટે ભાવનગર ખાતે એક ખાસ સંગીત સંધ્યા અને પોલીસ સ્મરણીકા પુસ્તક પ્રસિધ્ધ કરવાનું જિલ્લા કક્ષાએ આયોજન થયુ. આ સંગીત સંધ્યા કાર્યક્રમ અને પોલીસ સ્મરણીકામાં ઉધોગ ધંધાની જાહેરાત માટેની ફાળા પાવતી અને કાયક્રમની ટીકીટો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મોકલી આપી. આથી તે આધારે પોલીસ વેલ્ફેર એકઠુ થયુ પણ કાર્યક્રમ સાથે જ પ્રસિધ્ધ થનાર પુસ્તક સ્મરણીકા કે જેમાં દાતાઓનીની પેઢીઓ, કંપનીઓની જાહેરાતો પ્રસિધ્ધ થવાની હતી તેની જોડે પોલીસ કેમ કાર્ય કરે છે શું કાર્ય કરે છે તેવા ખાસ આર્ટીકલ લખવા માટે જિલ્લામાં તમામ જવાનો અધિકારીઓ કર્મચારીઓને આહવાહન કરવામાં આવ્યુ. પરંતુ વૈશ્ર્વીક ઝડપીકરણના કારણે સમય કોની પાસે હોય ? વળી લખવા વાળા કેટલા ? અને તે પણ પોલીસદળમાં ?
જયદેવ તો નવા મળેલ પોસ્ટીંગવાળા તળાજા, પોલીસ સ્ટેશનની તમામ પેન્ડન્સી દુર કરવા અને પેઘી ગયેલા અસામાજીક તત્વોને ઠીકઠાક કરવામાં , આવનાર ચુંટણીની પુર્વ તૈયારીરૂપ કાર્યવાહીમાં ગળા ડુબ હતો. જયારે સુવા કે આરામ કરવાનો પણ સમય ન હોય ત્યાં આ નીરાંતે બેસીને બૌધ્ધિક કસરત કરી લખવાનું કેમ સુઝે ? પરંતુ અગાઉ જયદેવ સાથે અમરેલીમાં ફરજ બજાવેલ એવા અનુભવી નાયબ પોલીસ અધિકારી જેઓ ભાવનગર ડીવીઝનમાં હતા તેમણે પોલીસવડાની કચેરીમાં થી જ ફોન કર્યો કે બાપુ હું તમને જાણુ છુ તેથી આ પોલીસ સ્મરણીકા માટે તમારે ખાસ બીજા કરતા વધારે ચાર-પાંચ આર્ટીકલો લખી મોકલવા ભલામણ કરૂ છુ, જિલ્લા પોલીસવડાએ પણ તેમની વાતને સમર્થન આપ્યુ. આથી જયદેવને હવે પોલીસ સ્ટેશન અને તાલુકામાં ખાતાનું કામ અને વિશ્રામગૃહમાં આરામને બદલે આ પોલીસ સ્મરણીકા માટે લેખો લખવાના હતા.
જયદેવને ખાતાના કેસ કાગળો, કેસ ડાયરી પ્રગતી અહેવાલો વિગેરે લખવાની તો સારી પ્રેકટીસ હતી પરંતુ આ આમ જનતા (ખાસ તો વાંચનાર બુધ્ધિજીવી જનતા) માટે આર્ટીકલો લખવાનો આ પ્રથમવારો આવ્યો હતો.