ફૂલો કા તારો કા, સબ કા કહેના હૈ… એક હજારો મે મેરી બહેના હૈ…
આ સંબંધ બાળપણથી લઇને પુખ્તાવસ્થા અને વૃધ્ધાવસ્થા સુધી પણ એક સાથે જીવન જીવે છે જોડીયા બાળકોમાં પણ ભાઇ-બહેન સાથે જન્મે છે ત્યારે ગર્ભથી તે જોડાયેલા ગણાય છે
જીવનની સંસારયાત્રામાં કોઇપણ માનવી જન્મથી મૃત્યું સુધીમાં વિવિધ સંબંધોમાં બંધાય છે. દરેક પુરૂષ પિતા અને દરેક સ્ત્રીમાં બને તે પહેલા તે એક માતા-પિતાની પુત્ર કે પુત્રી તરીકે જન્મે છે, અને તેના મા-બાપો પણ એજ રીતે એના માતા-પિતાના પુત્ર-પુત્રી તરીકે જન્મ્યા હોય છે. લોહીના સંબંધો એટલે મા-બાપના સંતાનો જેમાં ભાઇ-બહેનનો સંબંધ જન્મથી મૃત્યુ સુધીનો પવિત્ર ગણાય છે. આપણા હિન્દુધર્મમાં રક્ષાબંધન, ભાઇબીજ તહેવારો પણ પૌરાણિક કાળથી ચાલ્યા આવ્યા છે. છેલ્લા એક દાયકાથી વૈશ્ર્વિકસ્તરે પણ રાષ્ટ્રીય ભાઇ બહેન દિવસ ઉજવાય છે. બે દિવસ પહેલા ટીવી સ્ટારો, ફિલ્મી સ્ટારો અને દેશના વિઆઇપી લોકોએ પણ આ દિવસ ઉજવીને વિવિધ પોસ્ટ શેર કરી કે ફોટા અપલોડ કર્યા હતા.
આજના સોશિયલ મીડિયાના યુગમાં હવે કોઇપણ વાતનો પ્રચાર-પ્રસાર ઝડપથી થતાં હવે વિવિધ ઉજવણી પણ રંગારંગ થતી જોવા મળે છે. દરેકના જીવનમાં ભાઇ-બહેનનાં સંબંધનું એક વિશેષ મહત્વ હોય છે. આ એક સંબંધ બાળપણથી લઇને યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા સુધી પણ એક સાથે જીવન જીવે છે. ઘણા કિસ્સાઓમાં જોડીયા બે બાળકોમાં એક ભાઇને એક બેન હોવાથી તે બન્નેનો સંબંધ માતાના ઉદરમાં ગર્ભથી જોડાયેલો હોય છે. ભાઇ-બહેન એક જ પેઢીના હોવાથી માતા-પિતાના સંબંધો સાથે દરેક વ્યક્તિના જીવનમાં લાંબા જોવા મળે છે. આ સંબંધ જીવનનો મોટો ભાગ એક સાથે વિતાવ્યો હોય છે.
માતા-પિતાના સંબંધો સાથે વ્યક્તિના જીવનમાં આ બહું લાંબા સંબંધો જોવા મળે છે: ભાઇ-બહેન એક જ પેઢીના હોવાથી વિચારો સાથે સમજદારી પણ વિશેષ જોવા મળે છે: ભાઇ-બહેને જીવનનો મોટો ભાગ એક સાથે વિતાવ્યો હોય છે: હિન્દુ સંસ્કૃત્તિમાં આ બન્ને સંબંધના ઘણા તહેવારો પણ આવે છે
ભાઇ-બહેનના સંબંધો ભલે ખાટા-મીઠા કે લડતા હોય પણ બન્ને વચ્ચે અતુટ નાતો જોડાયેલો છે: માતા-પિતાની સામે એકબીજાની ભૂલો છુપાવવા મદદ કરતાં હોય છે: આપણા બાળગીતો, ફિલ્મો, ગીતોમાં પણ આ સંબંધની ઘણી વાતો વણાયેલી છે
ભાઇ-બહેનના સંબંધો ભલે ખાટા-મીઠા કે લડતા-જગડતા હોય પણ બન્ને વચ્ચે અતૂટ નાતો જોડાયેલો હોવાથી માતા-પિતા સામે એકબીજાની ભૂલો છુપાવવામાં મદદ કરે છે. આપણી ફિલ્મો, બાળગીતો, ભજન-ગરબા, સુગમ ગીતો વિગેરેમાં પણ આ સંબંધની મહત્તા સમજાવી છે. આ એકમાત્ર સંબંધ એવો છે જેને પ્રારંભથી સુખ-દુ:ખ-આનંદ સાથે પારિવારિક માહોલમાં ઉછર્યો હોય છે. ભાઇ હમેંશા બેનની રક્ષા કરવા, તત્પર હોય છે. બન્ને સંબંધ એકબીજાના લગ્ન બાદ પણ મામા-ભાણેજના આજે પણ અકબંધ જોવા મળે છે. વાર-તહેવાર બહેન તથા તેના પુત્ર માટે મોકલાતી વસ્તુંઓની રીત-રસમ આદીકાળથી ચાલી આવે છે. ભાઇ-બહેનના પવિત્ર સંબંધનું કોઇ મુલ્ય ન થઇ શકે.
એક નાનાભાઇ માટે મોટીબેન માતાની ગરજ સારે છે તો એક મોટાભાઇ નાનકડી બેન માટે પિતાની ભૂમિકા ભજવે છે. આ બન્ને સંબંધોમાં પ્રારંભકાળથી માતા-પિતા, નાના-નાની, દાદા-દાદી, મામા-મામી, માસા-માસી, કાકા-કાકી જેવા શબ્દો-સંબંધ જોડાયેલા હોય છે. નાનકડા ભાઇ-બહેનને દાદા-દાદી જ સંસ્કારોનું સિંચન કરે છે ને બાળવાર્તા પણ કરે છે. આ સંબંધોની વ્યાખ્યા ગમે તેટલી કરો પણ ઓછી જ પડે છે.
દુનિયામાં કોઇપણ સંબંધનો એક જ દિવસ આવે, એકમાત્ર ભાઇ-બહેનના સંબંધોમાં રક્ષાબંધન અને ભાઇબીજ એમ બે આવે છે. પારિવારિક સંબંધોમાં પ્રેમ, હૂંફ, લાગણી, સમજદારી, સહનશીલતા વિગેરે હોવું જરૂરી હોય છે, પણ ક્યારેય જો તેમાં મુશ્કેલી સર્જાય તો ભાઇ-બહેનનાં મજબૂત સંબંધો પણ તૂટતા જોવા મળે છે. જીવનમાં ગમે તેવો સંબંધ લાંબો નિભાવવો હોય તો એકબીજા પ્રત્યે આદરભાવ હોવો જોઇએ. ગમે તે ઘરમાં ભાઇ-બહેન વચ્ચે લડાઇ-ઝગડા કે મારકૂટ ચાલતી જ જોવા મળે છે, પણ ફરીને પાછા ભેગાને ભેગા જ જોવા મળે છે. એક વાત છે કે ભાઇ-બહેન જો એકબીજાને ટોક-ટોક ન કરે, બીજા સામે તેને ઉતારી ન પાડે, એકબીજાની પસંદગીનું ધ્યાન જેવી ઘણી બાબતો ધ્યાન રાખે તો મુશ્કેલી ઓછી આવે છે.
આજે મા-બાપના ભાગમાં પણ ભાઇની સાથે બેનને ભાગ મળે છે, ઘણીવાર આ બાબતે પણ ભાઇ-બહેનનાં સંબંધોમાં ખટરાગ જોવા મળે છે. ઘણા તો એક જ ભાઇ હોવાથી ધર્મની બહેન બનાવીને આખુ જીવન ધ્યાન રાખે છે. બેનની લગ્ન વિધીમાં પણ ભાઇના વરદ્ હસ્તે ઘણી વિધી કરવામાં આવે છે. ભાઇ-બહેનના સંબંધને પવિત્ર કહેવામાં આવે છે. આજે તો આજના યુગમાં ભાઇ-બહેનના ઝગડાઓ કોર્ટે પણ ચડેલા જોવા મળે છે. રિલેશનશીપમાં શેરીંગ અને કેરિંગ હોવું જોઇએ. સૌએ પોતાના જીવનમાં ભાઇ-બહેનના ઝગડાઓ કર્યા જ હશે અને રીસામણા-મનામણા પણ કર્યા હશે.
દરેક વ્યક્તિના જીવનમાં રક્ષાબંધનનો તહેવાર અનેરૂ મહત્વ ધરાવતો હોય છે. અનેક ભાવનાઓનો અહેસાસ સાથે બહેનની રક્ષા કરવાનું ભાઇનું વચન તો બીજી તરફ ભાઇની ખુશી માટે આશિર્વાદ આપતી બહેનનો પ્રેમ પણ છે. ભલે એ રેશમી દોરો હોય પણ એ ‘ધાગા’માં અણમોલ પ્રેમ છૂપાયેલા હોય છે, એટલે જ રક્તસંબંધોથી જોડાયેલો આ સંબંધ હિન્દુધર્મમાં મહત્વનો ગણાય છે. નાનો ભાઇ મોટા બેનનાં ખંભે માથુ મુકીને રડી પણ શકે છે ને મોટાબેન તેના પરિવાર સામે લડી-ઝગડીને પણ પોતાના વિરાને મદદ કરે છે. સુખ-દુ:ખમાં એકબીજાની મદદે ખડેપગે ઉભા રહે તે જ સાચા “ભાઇ-બહેન”
મેરે ભૈયા, મેરે ચંદા, મેરે અણમોલ રતન, તેરે બદલે મે જમાને કી કોઇ ચીજ ન લુ
ઘણા ફિલ્મી ગીતોના એટલા સરસ શબ્દો છે સાંભળતા જ આપણને આપણું બાળપણ ભાઇ-બેનનો પ્યાર, પારિવારિક માહોલ વિગેરે મીઠી દુનિયા યાદ આવી જાય છે. આજના યુગમાં ઘણીવાર આવા સંબંધોમાં ઘણા કિસ્સાઓ જોવા મળે છે ત્યારે માથુ શરમથી ઝુકી જાય છે. પિતરાઇ ભાઇ-બહેનના સંબંધો પણ પારિવારિક જ કહેવાય છે તો ધર્મની માનેલી બહેનના સંબંધો પણ જીવન સાથે વણાયેલો છે.
પૃથ્વી પર વસતા દરેક માનવીને એક બહેન તો હોવી જ જોઇએ પણ આજે જેન્ડર રેશિયો પુરૂષ કરતા સ્ત્રીની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. જે એક લાલબતી સમાન છે. પુરૂષ પ્રધાન દેશમાં આજે પણ લોકો પ્રથમ છોકરો જ ગણે છે, પણ બેટી-બચાવો-બેટી પઢાવો જેવા સરકારી કાર્યક્રમોથી લોકોની સોચમાં બદલાવ આવ્યો છે.
ભાઇ એટલે ભરોસો અને બહેન એટલે શ્રધ્ધાનું પ્રતિક. આદીકાળથી આ સંબંધોમાં ક્યારેય શિથિલતા આવી નથી. આજે બધા સંબંધો તૂટતા જોવા મળે છે ત્યારે ભાઇ-બહેનનાં સંબંધોને ગ્રહણ નથી લાગ્યું. ‘ભાઇ’ કહ્યા પછી એ પુરૂષ ઉપર જગતની કોઇપણ સ્ત્રીને સલામતીનો ‘ભરોસો’ બેસી જાય છે.