વિવિધ ડિઝાઇન, સ્ટાઇલ, વિવિધ મટીરિયલ અને પેટર્નનાં જેકેટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. આપણે તેને સાદી ભાષામાં કોટી તરીકે ઓળખીએ છીએ. લોંગ જેક્ેટસ અને બ્લેઝર તેમજ સ્લીવલેસ કોટી યુવતીઓમાં આકર્ષણ જમાવી રહી છે. આ કોટી અથવા જેકેટ પરિધાનને એલિગન્ટ લુક તો આપે જ છે સાથે તમારા વ્યક્તિત્વને પણ નિખારે છે. માર્કેટમાં સ્લીવલેસ કોટીની સાથે લાંબી સ્લીવવાળાં જેકેટ મળે છે. કોલર સાથેનાં અને સ્ટેન્ડપટ્ટી ધરાવતાં જેકેટ અને બ્લેઝર વિવિધ પ્રસંગોએ પહેરી શકાય છે. સામાન્ય રીતે જેકેટ અથવા બ્લેઝર કોર્પોરેટ લુક માટે અથવા શિયાળામાં ઠંડીથી બચવા માટે પહેરવામાં આવે છે. જોકે, હવે જેકેટ, બ્લેઝર અને કોટીનો ટ્રેન્ડ ઓલટાઇમ હિટ બની રહ્યો છે.
લોંગ જેકેટમાં બે પ્રકારનાં જેકેટનો સમાવેશ થાય છે. એક જેકેટ છે વેસ્ટ સાઇઝ જેકેટ એટલે કે કમરથી થોડે નીચે સુધીની લંબાઇ ધરાવતાં જેકેટ અને બીજાં છે લોંગ કુરતા સાઇઝ જેકેટ, જે ઘૂંટણ સુધી અને કેટલીક વાર તેનાથી પણ થોડી વધુ લંબાઇ ધરાવતાં હોય છે. ઘણી વાર જેકેટ અથવા બ્લેઝર અને શ્રગ વચ્ચે અસમંજસ ઉદ્ભવે છે. લાંબા શ્રગને ઘણી વાર જેકેટ સમજી લેવામાં આવે છે. જોકે, શ્રગ અને બંને અલગ છે. શ્રગ નેટ અથવા સ્કિની મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. જ્યારે સ્કિની મટીરિયલમાંથી નથી બનાવવામાં આવતાં.જેકેટની ફેશનમાં પેપલમ જેકેટ થોડાં અલગ તરી આવે છે. જોકે, તે લોંગ સ્ટ્રેઇટ(સીધા) જેકેટ કરતાં થોડાં અલગ છે. આ જેકેટ કળીવાળાં હોય છે. તેથી જિન્સ કે સ્કર્ટ પર પહેરવા માટે તે યોગ્ય રહે છે પણ જ્યારે ઇન્ડો-વેસ્ટર્ન કોમ્બિનેશનની વાત આવે ત્યારે પેપલમને પ્રાધાન્ય આપવાને બદલે યુવતીઓ સ્ટ્રેઇટ જેકેટ પર પસંદગી ઉતારે છે.