- ડો.આંબેડકર જયંતિની આ કંઈ પ્રકારની ઉજવણી?
- જિલ્લા પંચાયત ખાતે સ્ટન્ટ કરનારા યુવકોને અટકાવવા મામલે પોલીસ સાથે ઘર્ષણ
હાથમાં છરી લઈને ભારતના બંધારણના ઘડવૈયાની જન્મ જયંતિની ઉજવણી કરવી કેટલી વ્યાજબી? આ સવાલ આજે એટલે ઉપસ્થિત થયો છે કે, આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ ખાતે નીકળેલી એક રેલીમાં ટોળાંએ હાથમાં છરી લઇ, બાઈક પર સ્ટન્ટ કરી, બહુમાળી ભવન ચોક આખો બાનમાં લીધો હતો. બીજી બાજુ આ તમામ ઘટનાક્રમ દરમિયાન પોલીસ મુકપ્રેક્ષક હોય તેમ ફક્ત ટ્રાફિક ક્લિયર કરાવતી રહી હતી.
ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બી આર આંબેડકરની જન્મજયંતિની આજે આખા દેશમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે પણ ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ હતી પણ બીજી બાજુ રેલીમાં શામેલ અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી દેવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત ચોક ખાતે પોલીસ સાથે ઘર્ષણ થયાં બાદ બહુમાળી ભવન ચોક આખો બાનમાં લેવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાક્રમ પર એક નજર કરવામાં આવે તો ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને દલિત સમાજ દ્વારા રાજકોટ શહેરમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જિલ્લા પંચાયત ચોક પાસે પોલીસ કમિશનર કચેરીની સામે પહોંચતા બાઈક ઉપર સ્ટંટ કરતા યુવાનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેને કારણે માથાકૂટ થઈ હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે પોલીસ દ્વારા બાઈક ઉપર દંડા મારવામાં આવ્યા હતા. બાદમાં મામલો ઉગ્ર બનતા ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. આ દરમિયાન યુવાનો રસ્તા ઉપર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો. જોકે પોલીસની અડધો કલાકની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો અને તે દરમિયાન એક તરફનો રસ્તો પણ બંધ રાખવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ચોકમાં પણ સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા હતા.
રાજકોટ શહેરમાં આંબેડકર જયંતિને અનુલક્ષીને આજે દલિત સમાજના યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જો કે આ દરમિયાન રેસકોર્ષ રિંગ રોડ પર કેટલાક યુવકો બાઈક પર સ્ટંટ કરી રહ્યા હોય પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. તાત્કાલીક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરીની સામે જિલ્લા પંચાયત ચોકમાં યુવાનો રસ્તા પર બેસી ગયા હતા. જેથી ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ અને પોલિસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડતા રેલી ફરી શાંતિપૂર્ણ આગળ વધી હતી.
બાદમાં રેલીમાં શામેલ અમુક તત્વો દ્વારા બહુમાળી ભવન ચોકમાં બાઈક પર સ્ટન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. અંદાજિત અડધી કલાક સુધી ટોળાંએ બહુમાળી ભવન ચોક ખાતે બાઈકમાં લીવર દબાવી રાખી ઘોંઘાટ કર્યો હતો. બાઈક પર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જેના લીધે બે થી ત્રણ વાહનો એકબીજા સાથે પણ અથડાયા હતા. જો કે, સદનસીબે કોઈને ઇજા પહોંચી ન હતી. આ તમામ ઘટનાક્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરામાં પણ રેકોર્ડ થયો જ હશે. બાદમાં બે શખ્સોંએ નેફામાંથી છરો કાઢવામાં આવ્યો હતો અને બાઈક પર ઉભા રહીને હાથમાં છરો રાખી ડાન્સ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમ દરમિયાન બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ હાજર જ હતા પણ તેઓ જાણે મૂકપ્રેક્ષક બની ગયા હોય તેમ ફક્ત ટ્રાફિક ક્લિયર કરાવવામાં પોલીસ વ્યસ્ત રહી હતી. જો આ પ્રકારના સ્ટન્ટ દરમિયાન કોઈ દુર્ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
પોલીસ સાથે ઘર્ષણ થતાં ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા
જિલ્લા પંચાયત ચોક ખાતે રેલીમાં શામેલ અમુક ચોક્કસ યુવકો દ્વારા બાઈક પર સ્ટન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. બાઈકમાં લીવર દબાવી રાખી ભારે ઘોંઘાટ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે સ્ટન્ટ કરવાની ના પાડતા યુવકો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. જે બાદ વિવાદ વકરે તે પૂર્વે જ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા, એસીપી રાધિકા ભારાઈ ઉપરાંત પીસીબી શાખાના અધિકારી-કર્મચારીઓ દોડી ગયા હતા અને ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જે બાદ રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી જતાં ડીસીપી, એસીપી તેમજ બ્રાન્ચના પોલીસમેનો પરત ફરી ગયા હતા. જો કે, જિલ્લા પંચાયત ચોક ખાતે બનેલી ઘટના શાંત તો પડી ગઈ હતી પણ ત્યારબાદ બહુમાળી ભવન ચોક ખાતે ફરીવાર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયત ચોકમાં પોલીસમેન સાથે ઝપાઝપી
સ્ટન્ટ કરવા બાબતે પોલીસ સાથે થયેલ ઘર્ષણ મામલે એક તસ્વીર સામે આવી છે. જેમાં અમુક શખ્સોં પોલીસમેન સાથે ઝપાઝપી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રો એવુ પણ જણાવી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓએ સમય સૂચકતા દાખવી ઘટનાસ્થળે દોડી આવતા મામલો હાથાપાઈ સુધી પહોંચતા સહેજથી અટકી ગયો હતો અને મોટી ઘટના બનતી અટકી હતી.