રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 લાગુ પડી ગઈ છે, ત્યારે આજના શિક્ષણમાં બદલાવ જોવા મળી રહ્યો છે : લાઇફ સ્કિલ ડેવલપમેન્ટથી વિદ્યાર્થી સ્વઅધ્યયન સાથે સતત નવું શિખવા પ્રેરાય છે
1986 બાદ ચાલી આવતી શિક્ષણ પધ્ધતિમાં હવે આજે તેમાં બદલાવ થયો છે, ત્યારે શિક્ષકોએ બાળ માનસના આધારે બાળકની વય-કક્ષા મુજબ વિવિધ ટેકનીકથી વર્ગખંડમાં શિક્ષણ આપવું જોઇએ
ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાના પરિણામ આવી ગયા, પાસ થઈ ગયા પછી પર્સન્ટાઇલ રેન્ક પ્રમાણે વિદ્યાર્થીની આગળની કારકિર્દી માટે એડમિશન અંગે મા બાપોની ચિંતા વધવા લાગે છે:પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવું કે ટૂંકાગાળાના સ્કીન બેઝ કોર્સ કરાવવા તે બંને વચ્ચે અવઢવ જોવા મળે છે
આજે ચારે કોર શિક્ષણ સુધારણાની વાતો ચાલી રહી છે. આજે તો સારા માર્ક હોય તો જ એડમીશન કે સર્વિસમાં ગણતરી લેવાતી હોવાથી બધા જ માર્ક માટે ભણતા હોય એવું લાગે છે, પણ હકિકતમાં શિખવા માટે ભણવું જરૂરી છે. જીવન કૌશલ્યોનો વિકાસ બરોબર થયો હશે તો તે છાત્રમાં બીજી ઘણી બધી આવડત ડેવલપ થતા તેને જીવનમાં ઘણી સુગમતા રહે છે. માર્ક માટે ભણનાર ગોખણીયા જ્ઞાનનો સહારો લઇ આંશિક સફળતા મેળવે છે, પણ બીજી બાબતોમાં તે નબળો રહી જાય છે. સંર્વાગી વિકાસ શિક્ષણની સૌથી અગત્યની બાબત છે. જુન-2024 થી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ જતા હાલની પેટર્નમાં ફેરફાર જોવા મળશે.
આજે મા-બાપો પણ 100 માંથી કેટલા ગુણ, ટકા કે પી.આર. આવ્યા તેની પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ગોખણીયા જ્ઞાનથી મેળવેલા ગુણએ સાચુ મૂલ્યાંકન ન ગણી શકાય. સ્કીલ ડેવલપમેન્ટથી છાત્રો સ્વ-અધ્યયન સાથે સતત નવું શિખવા પ્રેરાય છે. ક્લાસરૂમ એનવાયર્મેન્ટ અને શિક્ષકની કુતેહ આ બન્ને બાબતો શિક્ષણ માટે અતી મહત્વની છે. દરેક શિક્ષક બાળમનોવિજ્ઞાનનો ઊંડો અભ્યાસી હોવા જ જોઇએ. ધો.9 થી 12 માં તરૂણોને સમજવા માટે તારૂણ્ય શિક્ષણ જરૂરી છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આપેલી સ્વવિકાસ, સમસ્યા ઉકેલ, નિર્ણયશક્તિ જેવી વિવિધ સ્કિલ શિક્ષકે બાળકોને હસ્તગત કરાવવાની છે.
આજે શાળાઓમાં પણ એક બીજા કરતા અલગ ટેકનીકથી છાત્રોને ભણાવાય છે. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકો સિવાય જે તે ધોરણમાં બીજા ખાનગી પ્રકાશનોની મનાઇ હોવા છતાં, આવા પુસ્તકોનો આગ્રહ રાખવામાં આવે છે. કખગઘ જેવા જુના કકાને બદલે નમગજ આવ્યાને ઘણા વર્ષો થયા છતાં હજી જુનો કકો જ ચલાવાતો જોવા મળે છે. આજની 21 મી સદીમાં પણ બાળકો પાટીમાં એકડા ઘુંટતા જોવા મળે છે. બાળકની વય કક્ષા મુજબ રસમય શૈલીમાં વિવિધ એકમ મુજબનાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થાય તો જ બાળકની ઝડપી આવડતું હોય છે.
ગુજરાતનાં શહેરો વિશે જ્યારે ભણાવો ત્યારે રાજ્યનો નકશો બાળકોને બતાવોને તેમાં શહેરોની શોધ સાથે વ્યક્તિગત શિક્ષણ આપો તો જ તે સારી રીતે રાજ્ય વિષયક માહિતી મેળવી શકે છે. નાના બાળક કે મોટા બાળકોના રસ-રૂચીને વલણોને ધ્યાને લઇને તેને શિખવવાની પ્રક્રિયામાં જોડો તો જ તે વર્ગમાં ટકી રહે છે. બાળકને ભણવામાં કંટાળો આવશે તો તે શાળા છોડશે કે ગેર હાજર રહેવા લાગશે. શિક્ષકમાં ટીચીંગ લર્નીંગ મટીરીયલનું મહત્વ ઘણું છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે પણ તમે તેને ઘણું શીખવી શકો છો. પાઠ વાંચી જઇને તેના પ્રશ્ર્નો પૂછવા કરતાં પાઠનો પ્રથમ હાર્દ સમજાવીને બીજી ઉદાહરણો, પ્રેરક પ્રસંગોને જોડીને એકમ સમજાવામાં આવે તો ઘણા સારા પરિણામો મળી શકે એમ છે.
નાના બાળકને શિક્ષણ સાથે જોડવો અઘરૂ કામ છે પણ જોયફૂલ લર્નીંગથી આ કામ આસાન થઇ શકે છે. રમતાં-રમતાં શિક્ષણએ સૌથી બેસ્ટ ટેકનીક છે. વસ્તું ગણીને નંબર લખો, સ્પેલિંગ પરથી એક અંક પસંદ કરો, કેટલી વસ્તુ છે તે ગણો ઘણી વસ્તુમાંથી એક પસંદ કરો જેવી ઘણી પ્રવૃત્તિથી બાળકને રસમય રીતે જોડી શકાય છે. શૈક્ષણિક રમકડાંના માધ્યમથી બાળકને પ્રવૃત્તિમાં તેને જાતે ભણતો કરી શકો છો. જૂથ પધ્ધતિથી શિક્ષણમાં ઘણા સારા પરિણામો મળ્યા છે. શિક્ષણનો ઉદ્દેશ તે સમજે-વિચારે સાથે શ્રેષ્ઠ નાગરીક બને તેવો છે, તેથી જ શિક્ષકને બાળકનો ઘડવૈયો કહેવાયો છે. શિક્ષક જ દેશના ભાવી નાગરીક તૈયાર કરવાનું મહત્વનું કામ કરે છે. બાળક લખતું-વાંચતું અને બોલતું થાય તે સૌથી અગત્યની બાબત હોવાથી નવી શિક્ષણનીતિનાં પ્રથમ પાંચ વર્ષના તબક્કામાં બે વર્ષ અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન અને ધો.1,2,3 ને સામેલ કરેલ છે જેમાં વાંચન-ગણન અને લેખનને મહત્વ અપાયું છે.શિક્ષણમાં સારા-નરસાની પરિભાષા બાળકો સમજે તે સૌથી શ્રેષ્ઠ વાત છે. બાળકોમાં જીવન મુલ્ય શિક્ષણ અને સુટેવો સાથે ઘણા બધા ગુણોનું સિંચન શિક્ષણ દ્વારા જ થાય છે. શાળા આસપાસ કે ઘર આસપાસના વાતાવરણમાંથી બાળક ઘણું શીખતો હોવાથી આપણી આસપાસ જેવો પર્યાવરણનો વિષય હાલ બાળકોને ભણાવાય છે. પહેલા કરતાં અત્યારે ઘણા સારા ફોર કલર ઓફસેટ પ્રીન્ટીંગવાળા નયનરમ્ય પુસ્તકો આવતા હોવાથી બાળકને જોવા ગમે છે, પુસ્તકોનાં ચિત્રો જોઇને બાળક ઘણા વાક્યો બોલવા પણ લાગે છે. દ્રશ્ય-શ્રાવ્ય સાધનો સાથે આજે સ્માર્ટ ક્લાસમાં અદ્યતન સુવિધાથી શિક્ષણ અપાતું હોવાથી બાળક જોઇને ઘણુ શીખે છે, ને આવી પ્રક્રિયાનું સતત દ્રઢિકરણથી તેને ઝડપી યાદ રહી જાય છે. ફક્ત પુસ્તકિયું જ્ઞાન બાળકોની અંદર જીજ્ઞાસા જગાવી શકતું નથી, કે તેનું ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. શિક્ષણમાં કાર્ય કે પ્રવૃત્તિનું મહત્વ છે. જેમાં બાળકના હાથ, હૃદય, આંખ, મગજ જેવા અંગો જોડાય છે. ખાલી શબ્દોનો બાળકને થાક લાગશે. જો તેમને પ્રવૃત્તિ દ્વારા ભણાવાશે તો તેને પૂર્ણ રસ પડતા તે શિખવાની પ્રક્રિયામાં જોડાશે. આવી પ્રવૃત્તિ દ્વારા અપાતા શિક્ષણથી ઘણા ગુણો બાળકોમાં વિકસે છે. અસરકારક વર્ગ વ્યવસ્થા સાથે ગુણવત્તાસભર શિક્ષણ પણ હોવું જરૂરી છે. બાળકને ભલે માર્ક ઓછા આવે પણ તે બીજી બધી કલામાં જો નિપુણ થશે તો તેનો વિકાસ ઝડપી બનશે.
નવી શિક્ષણ નીતિ મુજબ હવે માતૃભાષામાં શિક્ષણને કારણે એબીસીડી સાથે ગુજરાતી કકો પણ ફરજીયાત ભણવા લાગ્યા છે. એકવાત નક્કી છે કે માતૃભાષા શીખ્યા બાદ બીજી બધી ભાષા હિન્દી કે અંગ્રેજી છાત્રોને ઝડપથી આવડી જાય છે. તેવું સંશોધનમાં જોવા મળ્યું છે. કોરોનાકાળમાં જે બાળકો બે કે ત્રણ વર્ષના હતા તે આજે પહેલા ધોરણમાં આવ્યા ત્યારે અત્યારે તેને લખતા-વાંચતા-ગણનમાં તકલીફ પડે છે. કારણ કે તેને પાયાનું જ્ઞાન મળેલ નથી. આજના યુગમાં દરેક મા-બાપે પણ બાળકના શિક્ષણ બાબતે જાગૃત થઇને દરરોજ તેને પાસે બેસાડીને વિવિધ સ્વ-અધ્યયન કરાવવું જ પડશે, આમ કરવાથી બાળકમાં ઉત્સાહ-ઉમંગ વધતા તે જાતે ભણતો થશે.
ઉપનિષદકાળમાં દરેક શબ્દની સાથે જ્ઞાન શબ્દ જોડવામાં આવતો
જ્ઞાન-વિદ્યા અને શિક્ષણ આ ત્રણેય શબ્દોનો ઉપયોગ દરેક જગ્યાએ અલગ-અલગ થઇ શકે છે. પ્રાચિન ઉપનિષદ કાળમાં દરેક શબ્દની પાછળ જ્ઞાન શબ્દ જોડવામાં આવતો જેમ કે બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, મધ્યકાલીન યુગમાં વિદ્યા શબ્દ પ્રચલિત થયો જેમ કે અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, જ્યોતિષ વિદ્યા, જ્ઞાન અને વિદ્યા અધ્યાત્મની ભૂમિકા પર બન્ને શબ્દો વપરાતા જે અજ્ઞાનરૂપી અંધકારમાંથી વ્યક્તિને મુક્ત કરે તે વિદ્યા-જ્ઞાન કે શિક્ષણ કહી શકાય. આજના યુગમાં જ્ઞાન-વિજ્ઞાન શબ્દ આવ્યો તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનને વિજ્ઞાન પણ કહી શકાય છે. આજના શિક્ષણ યુગમાં ભણતરની વેલ્યુ વધી છે, શિક્ષણ શબ્દ શિક્ષા ઉપરથી આવ્યો છે.