શહેરમાં 450 શાળા પૈકી 120 શાળાઓ પાસે જ ફાયર સેફટીના સાધનો: સાંજે આઈએમએના હોદ્દેદારો સાથે પણ મીટીંગ
ફાયર સેફટીના એનઓસી વિના ધમધમતી શાળાઓને સીલ કરી દેવામાં આવશે અને આ માટે જે તે મહાનગરના મ્યુનિ.કમિશનરની જવાબદારી હાઈકોર્ટ દ્વારા ફિક્સ કરવામાં આવી હોય. કોર્પોરેશન હવે એકશન મોડમાં આવી ગયું છે. ફાયર સેફટીના સાધનો વિનાની તમામ શાળાના બિલ્ડીંગોને સીલ કરી દેવામાં આવશે અને આગામી બે દિવસમાં મોટી કાર્યવાહી કરાશે તેવું મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.
અગાઉ શહેરમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બન્યા બાદ મહાપાલિકા દ્વારા હોસ્પિટલો અને શાળા-કોલેજોને ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી હતી. હવે જ્યારે હાઈકોર્ટે ગઈકાલે એવી ટકોર કરી છે કે ફાયર સેફટી વિનાની શાળાઓના બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવશે જેને ધ્યાનમાં રાખી મહાપાલિકાનું તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. અગાઉ જે શાળાને ફાયર સેફટી વસાવવા માટે નોટિસ આપવામાં આવી છે અને તેઓએ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેવી શાળાઓના બિલ્ડીંગોને સીલ કરી દેવામાં આવશે જ્યારે ફાયર સેફટીના પુરતા સાધનો ન ધરાવતી શાળા બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવશે. શહેરમાં 450 શાળાઓ પૈકી માત્ર 120 શાળાઓ જ એવી છે જેની પાસે પુરતા ફાયર સેફટીના સાધનો છે. આવામાં શહેરમાં 330 શાળાઓને સીલ લાગી જાય તેવી શકયતા હાલ જણાય રહી છે.
આગામી સોમવારથી મહાપાલિકા દ્વારા ફાયર સેફટીના ચેકિંગની કાર્યવાહી પુરજોશમાં શરૂ કરવામાં આવશે અને જરૂર જણાશે તો ફાયર સેફટી વિના ધમધમતી શાળાઓને સીલ કરી દેવામાં આવશે. આજે સાંજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ઈન્ડિયન મેડિકલ એસો.ના હોદ્દેદારો સાથે મીટીંગ બોલાવવામાં આવી છે. જેમાં હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીના સાધનોની પુર્તતા કેવી રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાશે.