ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ: ધો.10ની પરીક્ષામાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને બે વિકલ્પ મળશે
શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 ગણિત વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમુનાનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. જ્યારે રાજ્યના શિક્ષણ વિભાગે આજે એક મોટો નિર્ણય કરીને ધો.10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ બી-ગ્રુપના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતમાં આ વર્ષે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં મોટાપાયે ફેરકાર કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેમા અગાઉ જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત બેઝિક રાખે છે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતો નથી. પરંતુ નવા ફેરફાર બાદ હવે જે વિદ્યાર્થી ધોરણ 10માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ A અથવા AB ગ્રુપમાં પ્રવેશ નહીં મળે.
આ ઉપરાંત ધોરણ 10માં બેઝિક ગણિતમાં નાપાસ થયેલ વિદ્યાર્થી ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હશે તો જુલાઈની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાનો અગાઉ નિર્ણય હતો. જેમા ફેરફાર કરી હવે ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ મહિનાથી પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે.