2,98,817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ માત્ર 30,012 જ વિદ્યાર્થીઓ પાસ થયા: વિદ્યાર્થીનીઓનું પરિણામ 12.75 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 8.77 ટકા જાહેર
23 ઓગસ્ટ સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.
જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 10માં 95 હજાર 696 વિદ્યાર્થીનીઓ અને 2 લાખ 3 હજાર 121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 201 વિદ્યાર્થીનીઓ અને 17 હજાર 811 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ પરિક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે. 191 ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં ધોરણ 10ના ખાનગી, રિપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું 10.4 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 30 હજાર 012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 3 લાખ 26 હજાર 505 વિદ્યાર્થીઓમાંથી 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો પૃથ્થક ઉમેદવારોની સંખ્યા 52 હજાર 026 હતી, જેમાંથી 46 હજાર 166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીનીઓનું પરિણામ 12.75 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 8.77 ટકા જાહેર થયું છે. તો આ પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.