વર્તમાન કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં ઘણા પરિવારોના આધારસ્તંભ કે મોભીઓના અવસાન થયા છે, તેવા પરિવારોના બાળકો માટે આગામી વર્ષના શિક્ષણનું ભાવી ધુંધળુ છે, ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જીનિયસ સ્કૂલ ખાતે સોમવારના રોજ યોજાયેલ બેઠકમાં મંડળ દ્વારા સામાજીક જવાબદારી અદા કરવાના ભાગ રુપે એક પ્રશંસનિય પગલું લેવામાં આવ્યુ છે. જે મુજબ કોરોનામાં જે વિદ્યાર્થીના ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિ અવસાન પામ્યા હોય તેમને માટે 2021-22 ના સમગ્ર વર્ષ માટે રાજકોટની દરેક ખાનગી શાળાઓ દ્વારા નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગત આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મડળના પ્રમુખ ડી. વી. મહેતા એ જણાવ્યુ હતું કે સોમવારના રોજ જીનિયસ સ્કૂલ ખાતે મળેલી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોરકમીટીના હોદેદારોની મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ ન આવે તેની તકેદારી રાખવાની શિક્ષણજગતના પ્રતિનીધી અને સમાજના જવાબદાર સંગઠન તરીકે અમારી ફરજ છે, તે અમે સ્વિકારીએ છીએ. તેથી જે વિદ્યાર્થીઓએ કોરોનાને લીધે તેમના ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિની છત્રછાયા ગુમાવેલ હોય, તેવા વિદ્યાર્થીઓને રાજકોટની દરેક ખાનગી શાળાઓમાં 2021-22ના વર્ષ માટે શૈક્ષણિક ફી માફ કરવામાં આવશે અને તેમને નિ:શુલ્ક શિક્ષણ મળી રહે તેવો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય અજયભાઇ પટેલ, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્નવીનર જયદિપભાઈ જલુ, અને મેહુલભાઈ પરડવા મીટીંગમાં હાજર રહ્યા હતા અને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.