વિદ્યાર્થીઓ થાણાગાલોળ ગામ પાસે બસ રોકી વિરોધ નોંધાવ્યો
અબતક, કરણ બારોટ, જેતપુર
જેતપુર તાલુકાના ત્રણ જેટલા ગામમાં અનિયમિત એસટી બસને લઇને ત્રાહિમામ પોકારી ઉઠેલા વિદ્યાર્થીઓએ પહેલાં જેતપુર વડીયા રૂટની થાણાગાલોળ ગામ પાસે બસ રોકી વિરોધ કર્યો હતો ત્યાર બાદ જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિરોધ વ્યકત કર્યો હતો. વારંવાર એસટી બસની અનિયમિતતા સામે રજૂઆત કરવા છતાં કોઇ ફળદાયી ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જો કે, ગામોના સરપંચ અને ડેપો મેનેજર સાથે વિદ્યાર્થીઓની વાતચીત કરાવીને મામલો થાળે પાડ્યો હતો.
જેતપુર વડીયા રૂટમાં આવતા ત્રણ જેટલા ગામના વિદ્યાર્થીઓ નિયમિત સમયસર શાળાએ પહોંચે તે માટે સવારે અને સાંજે બસ મોકલવામાં આવે છે, પરંતુ કેટલાક સમયથી સવારના સમયે વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી બસ મોડેથી આવતા વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચી રહ્યા છે. સમસ્યાના કારણે અનેક વખત બસ નિયમિત આવે તે માટે રજૂઆત કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો.જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા, થાણાગાલોળ, રેશમડીગાલોળ
સહિતના ત્રણેક ગામના અનેક બાળકો અભ્યાસ કરવા જેતપુર આવતા હોઈ છે. વડીયા થી બસ આવતા મુસાફરો થી ફૂલ થઈ જતી હોય .છે, જેથી આ ગામોના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડી રહી છે
રાજ્યમાં એક તરફ બુલેટ ટ્રનના સ્વપનો જોવામાં આવી રહ્યાં છે તો બીજી બાજૂ જેતપુર તાલુકાના થાણાગાલોળ,ચારણ સમઢિયાળા સહિત ત્રણ જેટલા ગામમાં એસટી બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓએ જેતપુર બસસ્ટેન્ડમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને ઘેરી વિરોધ કર્યો હતો. બસની અનિયમિતતા અગે વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં એસટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યાં નથી ત્યારે વિદ્યાર્થીઓના હોબાળા બાદ ત્રણેક ગામના સરપંચોએ ડેપો મેનેજર સાથે વાતચીત કરાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.