સંતાનોની વતન વાપસી માટે વાલીઓ ચિંતિત
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા બાદ રશિયાની સેનાએ યુક્રેનમાં ઘુસી 6 સૈનિકોને ઠાર માર્યા છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના અને યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા 4 વિદ્યાર્થીઓની ભારત આવવા માટે ગુરૂવારે સવારે ફલાઈટ હતી.
જો કે ફલાઈટ ટેક ઓફ થવાના 3 કલાક પહેલા જ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થતા વિદ્યાર્થીઓને એરપોર્ટથી 200 કિમી દૂર કીમ-મેટ્રો રેલવે સ્ટેશન લઈ જવાયા છે. હાલ આ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે, પરંતુ ઝાલાવાડમાં રહેતા તેમના વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધની સ્થિતિ પ્રવર્તી રહી હતી. તેમાં ગુરુવારે રશિયાના સૈનિકો યુક્રેનમાં ધસી ગયા હતા અને 6 સૈનિકોને ઠાર માર્યા હતા. યુક્રેનમાં તો ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. આવા સમયે સુરેન્દ્રનગરના અને યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં રહેતા પરમાર મહાવીરસિંહ કિરીટસિંહ અને દેવ પ્રેમલભાઈ શાહ તથા રતનપર વિસ્તારમાં રહેતા રોનક દિલીપભાઈ પટેલ અને 80 ફૂટ રોડ પર નવરંગ સોસાયટીમાં રહેતી મિતાલી ચંદ્રેશભાઈ દેદાસણીયા હજુ અઢી માસ પહેલા જ ખઇઇજનો અભ્યાસ કરવા યુક્રેન ગયા છે.યુક્રેનના ચર્નીવીસ્ટી હોસ્ટેલ નં. 7માં રહી તેઓ નજીકના શહેર બુકોવીનીયા સ્ટેમ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ થતા તેઓને ગુરૂવારે સવારે જ 9 વાગ્યાની ફલાઈટ દ્વારા ભારત લાવવામાં આવનાર હતા. જેમાં તેઓ બસ દ્વારા એરપોર્ટ જતા હતા, ત્યારે યુક્રેનના મુખ્ય એવા ક્યુ એરપોર્ટ પર જ ફલાઈટ ટેકઓફ કરવાના 3 કલાક પહેલા જ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આથી સુરેન્દ્રનગરના 4 સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓને ત્યાંથી તાત્કાલીક દૂર લઈ જવાયા છે. આ વિદ્યાર્થીઓને ક્યુ એરપોર્ટથી 200 કિમી દૂર આવેલા કીમ મેટ્રો રેલવે સ્ટેશને હાલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે.જો કે હાલ આ વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા છાત્રો સ્વદેશ પરત ફરે તે પહેલા જ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લીધે તેઓ ફસાઈ ગયા છે.