દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે બીજીબાજુ ઈલેકટ્રીક વાહનો માટે પુરતા સ્ત્રોત ઉપલબ્ધ નથી. આ વિકટ સમસ્યાનો ઉકેલ વીવીપી એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ શોધી કાઢયો છે. વીવીપી મીકેનીકલના વિદ્યાર્થીઓ પંડયા રૂચિત ભદ્રેશભાઈ, માકડીયા નિર્મલ જયેશભાઈ અને ઝાલા સતીષ ભરતભાઈએ પ્રાઘ્યાપક હાર્દિક ખુંટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ અને ઈલેકટ્રીસીટી બન્નેથી ચાલતા હાઈબ્રીડ ટુ-વ્હીલર એચવાય-1ની રચના કરી છે.
આ હાઈબ્રીડ ટુ-વ્હીલર એચવાય-1 વિશે જણાવતા કોલેજના સાતમા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ રૂચિત, નિર્મલ તથા સતીશે જણાવેલ કે આ ટુ વ્હીલર બાઈક બે તકનીકીઓનું મિશ્રણ કરે છે. આંતરીક કમ્બશન એન્જિન (ઈંધણ ઉર્જા) અને વિદ્યુત ઉર્જા. એચવાય-1 એ બે પાવર સ્ત્રોતને જોડે છે.
બાઈકનું પેટ્રોલ એન્જિન (જે તે બાઈકમાં હોય એ જ) તથા ઈલેકટ્રીક મોટર્સ અને બેટરી. એચવાય-1 જુના વાહનમાં ઈલેકટ્રોનિક ટેકનોલોજી નાખી બાઈકને હાયબ્રીડ બનાવી આપે છે, જે એક વખત ચાર્જ થયા બાદ 40 કિમીની રેન્જ આપે છે અને જો વધુ દૂર જવાનું થાય તો વાહન પેટ્રોલ પર પણ જઈ શકે છે. જેથી ઈવીની રેન્જની સમસ્યા દુર થાય છે. એચવાય-1 ટેકનોલોજી એ માત્ર રૂા.28000/-માં જુના બાઈકને હાઈબ્રિડ કરી શકે છે. આ કરવાથી ઈંધણનો તથા રૂપિયાનો બચાવ, પ્રદુષણનો અટકાવ અને ઈવીમાં થતી સમસ્યાઓ દૂર થાય છે. એચવાય-1માં 48 વી બીએલડીસી 650 વો.ની મોટર હોય છે. બાઈકની સ્પીડ 42 કિમીની આવે છે.
‘અબતક’ના પ્રશ્ર્નના જવાબમાં વિસ્તૃત છણાવટ કરતા તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં આવેલ એ.આર.એ.આઈની ચાર એજન્સીઓ પૈકી પૂણે ખાતે હાઈબ્રીડ ઈ-બાઈકને પરિક્ષણ માટે ટુંક સમયમાં જ લઈ જવાશે અને તેની મંજુરી (રજીસ્ટ્રેશન) મળતા જ પ્રોડકશનની કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, હાલ ચાર હાઈબ્રીડ ઈ-બાઈકના ઓર્ડર પેન્ડીંગ છે અને ભવિષ્યમાં આ પ્રકારની કાર (હાઈબ્રીડ- ઈ-કાર) બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
તેનામાં બંને પાવર સ્ત્રોત માટે અલગ-અલગ થ્રોટલ તથા 48 વી લીડ-એસિડ બેટરીનો ઉપયોગ થયેલ છે. જે 6.00 કલાકમાં ફુલ ચાર્જ થાય છે અને તેના ફુલ ચાર્જ થવા માટે માત્ર એક જ યુનિટ વપરાય છે. આ રીતે એક કિલોમીટર ચલાવવાનો ખર્ચ માત્ર 17 પૈસા છે. વીવીપી મીકેનીકલનાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ હાઈબ્રીડ ટુ-વ્હીલર એચવાય-1 આર્થિક તંગી, સામાજિક અને તમામ વિદેશી વસ્તુઓના આક્રમણની સમસ્યાઓનો સચોટ ઉકેલ છે. મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ પંડયા રૂચિતના પિતા ભદ્રેશભાઈ પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. માકડીયા નિર્મલના પિતા જયેશભાઈ મેટોડા સ્થિત ફોરજીંગનું કારખાનું ચલાવે છે, ઝાલા સતીશના પિતા ભરતભાઈ કાંગશીયાળી સ્થિત જોબવર્કનું કારખાનું ચલાવે છે.
એન્જીનીયરીંગમાં થિયરી જ્ઞાન ઉપરાંત પ્રેકટીકલ ક્ષમતા હોવી ખુબ જરૂરી છે. વી.વી.પી.નું ધ્યેય હંમેશા સંશોધનલક્ષી એન્જીનીયરો અને ઉધોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાનું છે. માત્ર થીયરી જ્ઞાન ધરાવતા એન્જીનીયરો રોજગાર પ્રાપ્ત કરી શકતા નથી. પ્રવેશ હોય, પરીણામ હોય, પ્લેસમેન્ટ હોય કે સંશોધનાત્મક પ્રોજેકટ હોય, વીવીપીનો મીકેનીકલ વિભાગ સૌરાષ્ટ્ર-કચ્છમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. વીવીપીનો મીકેનીકલ વિભાગ અત્યાધુનિક લેબોરેટરી, 3 ડી પ્રિન્ટીંગ, રોબોટ, એનર્જી ઓડીટ સેલ, આઈ.આઈ.ટી. બોમ્બેના સહયોગથી રોબોટીકસ લેબોરેટરી, આધુનિક વર્કશોપની સુવિધાઓથી સુસજજ છે.
આ તમામ સુવિધાઓ થકી વીવીપી મીકેનીકલના વિદ્યાર્થીઓ થિયરી સાથે ઉત્કૃષ્ટ પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. વીવીપીના ધ્યેયને ચરિતાર્થ કરતા અને ભારતને આત્મનિર્ભર બનાવતા હાઈબ્રીડ ટુ-વ્હીલર એચવાય-1ની રચના બદલ વીવીપીના ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો.નરેન્દ્રભાઈ દવે, આચાર્ય ડો.જયેશ દેશકર, મીકેનીકલ વિભાગનાં વડા ડો.નિરવ મણીઆર, તમામ પ્રાઘ્યાપકગણ અને કર્મચારીગણે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને અભિનંદન સાથે ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.