યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની મીટીંગમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
આવતા વર્ષથી મલ્ટી એન્ટ્રી-એક્ઝિટની અમલવારી પણ શરૂ કરાશે: પ્રોજેકટ વર્ક અને પ્રેક્ટિકલ અભ્યાસ ઉપર વધુ ધ્યાન અપાશે
દેશભરની યુનિવર્સિટીમાં ધીમે ધીમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે ત્યારે મંગળવારે મળેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની બેઠકમાં પણ અનેક વિદ્યાર્થીલક્ષી નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ મહત્વનો નિર્ણય લેવાયો હતો કે, ચાલુ વર્ષથી જ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પણ એનસીસીમાં જોડાઈ શકશે અને તમામ સાયન્સના કોર્ષોમાં એનસીસીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે.
આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન ગીરીશ ભીમાણી અને અધરધેન ડીન ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ હશે કે જેને સાયન્સના કોર્ષોમાં પણ ચાલુ વર્ષથી જ એનસીસીનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે. તેથી સાયન્સના વિદ્યાર્થીને પણ હવે એનસીસીનો લાભ મળી શકશે. આ ઉપરાંત ચાલુ વર્ષથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીત અંતર્ગત નવો સીલેબસ અમલમાં મુકવામાં આવશે. જેમાં અનેક વિદ્યાર્થીલક્ષી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને હવેથી પ્રોજેકટ વર્ક અને પ્રેક્ટિકલ અભ્યાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. અત્યાર સુધી થીયરી ટુ પ્રેક્ટિકલ શિખવાડવામાં આવ્યું પરંતુ હવે પ્રેક્ટિકલથી થીયર પર ફોકસ કરીને વિદ્યાર્થીને જ્ઞાન પીરસાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કોર્ષ બનાવવામાં આવો જેથી વિદ્યાર્થીને ભવિષ્યમાં કઈ રીતે ઉદ્યોગ કરવો અને તેની માહિતી મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ નવા અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતનું યોગદાન એવો પણ એક અભિગમ ઉમેરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિદ્યાર્થી ઉદ્યોગ સાહસીકતા કેળવે પરંતુ સાથો સાથ સંશોધનાત્મક રીસર્ચ કરે તે માટે નવા અભ્યાસક્રમમાં રીસર્ચ મેથોડોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ હવે પોતાની રીતના ધો.12 બાદ કોલેજ અને યુનિવર્સિટીમાં એન્ટ્રી-એક્ઝિટ મેળવી શકશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ ગમે ત્યારે અભ્યાસમાં પ્રવેશ મેળવી શકશે અને પ્રવેશ છોડી શકશે જેની અમલવારી વર્ષ 2022-23થી કરવામાં આવશે. મંગળવારે મળેલી સાયન્સ ફેકલ્ટીની મીટીંગમાં યુનિ.ના ડીન ડો.ગીરીશ ભીમાણી અને અધરધેન ડો.મેહુલ રૂપાણીની અધ્યક્ષતામાં તમામ વિજ્ઞાન વિદ્યાશાખાના પ્રોફેશરો પણ જોડાયા હતા.