- રાજ્યના વિધાર્થીઓને શાળામાં ગુણવત્તાયુકત શિક્ષણ અપાય છે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર
- વર્ષ 2022માં 5,652 શિક્ષણ સહાયકોની ભરતી પૂર્ણ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2,808 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિધાર્થીઓને શાળામાં ગુણવત્તા યુકત શિક્ષણ આપવામાં આવે છે. જેના માટે વર્ષ 2022માં 5,652 શિક્ષણ સહાયકોની ભરતી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2,808 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 91 સરકારી માધ્યમિક શિક્ષણ, 123 ગ્રાન્ટેડ માધ્યમિક શાળા તથા 123 ખાનગી માધ્યમિક શાળાઓ હાલ કાર્યરત છે. રાજકોટમાં 43 સરકારી માધ્યમિક શિક્ષણ, 162 ગ્રાન્ટેડ માધ્યમિક શાળા, 432 ખાનગી માધ્યમિક શાળાઓ કાર્યરત છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, નવી સરકારી માધ્યમિક શાળા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળાદીઠ રૂ. 3.15 કરોડ ખર્ચ કરવામાં આવે છે. જેમાંથી વર્ગખંડ, વૈકલ્પિક વિષય માટે વર્ગ ખંડ,આચાર્ય ખંડ, સ્ટાફ રૂમ, કાર્યાલય, પ્રયોગશાળા, કમ્પ્યુટર પ્રયોગશાળા, લાઈબ્રેરી, વિદ્યાર્થીની રૂમ, સ્ટાફ માટે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયની સુવિધા અને વોટર રૂમ આમ કુલ 10 ઓરડાઓ અને કુમાર-કન્યાઓ તથા વિકલાંગો માટે અલાયદા શૌચાલય તથા વોટર રૂમ જેવી ભૌતિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સરકારી માધ્યમિક અને RMSA માધ્યમિક શાળા શરૂ કરવાની નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારના 60 ટકા અને રાજ્ય સરકારનાં 40 ટકા ખર્ચથી નવી શાળાઓ મંજુર કરાય છે. આ ઉપરાંત RMSA યોજનાની શાળાઓ શરૂ થઈ શકે તેમ ન હોય તેવા વિસ્તારોમાં રાજ્ય સરકારના ખર્ચથી નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજુર કરે છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.