- JEE મેઈનના પરિણામ જાહેર
- સુરતના વિદ્યાર્થીઓએ માર્યા મેદાન, IITમાં જવાની ઈચ્છા કરી વ્યક્ત
સુરત ન્યૂઝ : એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ-મેઈનના પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ઘગશથી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે મેઈન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બીજા સેશન્સમાં પણ સફળતા મળી
કૌશલ વિદ્યાભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવ્યા છે. ત્યારે વઘાસિયા પર્લ પોપટભાઈ સેશન ટૂમાં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. હીરાના બ્રોકરેજનું કામ કરતાં પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે, હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ. આ માટે તે રોજની આઠથી 10 કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં કહ્યું હતું.
પેરેલાઈઝડ પિતાના પુત્રને મળી સફળતા
મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞીક રાયસિંગભાઈને પણ જેઈઈમાં 99.75 પીઆર પ્રાપ્ત થયા છે. યાજ્ઞીકના પિતા રાયસિંગભાઈને પેરેલિસિસ આવ્યો હતો. પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞીકે કહ્યું હતું. સાથે જ ઉમેર્યું કે, મેં બહુ નજીકથી આ પિડા જોઈ છે. જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું.
ભાવેશ ઉપાધ્યાય