જીપીએસસી દ્વારા લેવાયલી પરીક્ષામાં સંસ્થાના ૫૨ વિદ્યાર્થી ઝળક્યા
કોરાનાના કારણે અટકી પડેલા પરીક્ષાના પરિણામો ધીમે-ધીમે જાહેર થઈ રહ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયલી રાજ્ય વેરા નિરીક્ષક (એસટીઆઈ) વર્ગ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ થયું છે. સંસ્થાના કુલ ૫૨ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૧૮માં રાજ્ય વેરા નિરીક્ષક (એસટીઆઈ) વર્ગ-૩ની કુલ ૪૨૦ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેની લેખિત પરીક્ષા યોજાઈ હતી અને તાજેતરમાં આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ ૪૨૦ જગ્યા માટે લેવાયેલી રાજ્ય વેરા નિરીક્ષક (એસટીઆઈ)વર્ગ-૩ની પરીક્ષામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ૫૨ ઉમેદવારોએ સફળતા મેળવીને સંસ્થાની સફળતામાં વધુ એક મોરપીચ્છ ઉમેર્યું છે.પરીક્ષામાં પાસ થનાર કુલ ૫૨ ઉમેદવારોમાં ૩૭ વિદ્યાર્થીઓ અને ૧૫ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. આમ કહીએ તો, કુલ જગ્યાના ૧૨ ટકાથી વધુ વિદ્યાર્થીઓ એક જ સંસ્થામાંથી તાલીમ મેળવીને પાસ થયા હોય તેવી ગુજરાતની એકમાત્ર તાલીમ સંસ્થા છે.
રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, જીપીએસસી, યુપીએસસી, પીઆઈ તથા વર્ગ-૧,૨,૩ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું જ્ઞાન અને માર્ગદર્શન મેળવીને સરકારી નોકરીઓમાં પોતાની જગ્યા બનાવી છે. ત્યારે તાજેતરમાં જાહેર થયેલા રાજ્ય વેરા નિરીક્ષક (એસટીઆઈ) વર્ગ-૩ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના એક સાથે ૫૨ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સફળતા મેળવીને ગુજરાતભરમાં ડંકો વગાડ્યો છે. સફળતા મેળવનાર તમામ ઉમેદવારોને સંસ્થા અભિનંદન પાઠવે છે. સમાજમાં કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવના સાથે સુસંસ્કૃત નાગરિક બને તેવી ભાવનાથી સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ તથા પ્રમુખ હર્ષદભાઈ માલાણી અને તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો એકી સાથે સતત વિચાર વિમર્શ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ પાસ થઈને સરકારી નોકરીઓમાં નિમણૂક પામે અને પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સારો નાગરિક મળે તેવી ભાવનાથી સતત માનસિક અને શારીરિક હાજરી આપી રહ્યા છે.
રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડિંગમાં, ૬ હજારથી વધારે પુસ્તકની લાયબ્રેરી, વાંચનાલય, ડિજિટલ લાયબ્રેરી તથા વાતાનુકૂલિત વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરીને તાલીમ મેળવી રહ્યા છે. હાલમાં આ સંસ્થામાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.