- કોન્સ્ટેબલ તરીકે 70 અને ASI-PSI તરીકે 11 યુવક-યુવતીઓ થયાં ઉતિર્ણ
- 81 તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી તાલીમ મેળવીને પોલીસ વિભાગમાં તાજેતરમાં 81 તાલીમાર્થીઓ પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2021-22માં લેવાયેલી પીએસઆઈ-એએસઆઈ, કોન્સ્ટેબલની પરીક્ષામાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતભરમાં ડંકો વગાડ્યો છે.
પોલીસ વિભાગની આ પરીક્ષામાં એએસઆઈ-પીએસઆઈમાં 11 યુવક-યુવતી અને કોન્સ્ટેબલમાં 70 યુવક-યુવતી ઉતિર્ણ થયા છે. આમ આ વર્ષે ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં કુલ 81 યુવક-યુવતીએ નિમણૂક મેળવી છે. આ તમામ તાલીમાર્થીઓએ રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવનમાં ચાલતાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં તાલીમ મેળવી હતી. નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષાની સઘન તૈયારી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શારીરિક કસોટી માટે દોડ સહિતની તાલીમ પણ અહીંયાથી આપવામાં આવી હતી. સરકારી નોકરી મેળવનારા તમામ તાલીમાર્થીઓને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે, આ યુવાનો હંમેશા સમાજ અને દેશ ઉપયોગી કાર્યો કરતાં રહે. પોલીસ વિભાગમાં પસંદગી પામેલા તમામ તાલીમાર્થીઓને ટ્રસ્ટીઓ, ક્ધવીનરઓએ અને સમાજ શ્રેષ્ઠીઓએ અભિનંદન પાઠવ્યા છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 181 તાલીમાર્થીઓએ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના માર્ગદર્શક પીઆઈ સંજયભાઈ પાદરીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવીને સરકારી નોકરીનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ભવિષ્યમાં આવનારી વિવિધ સરકારી નોકરી માટેની ભરતીના કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવવા માટ ખોડલધામ પરિવારના વિદ્યાર્થીઓએ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટની ઓફિસે મો.નં. 74054 69239 સંપર્ક કરવા જણાવેલ છે.