ઈસરોના ભૂતપૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર કમલેશ ઉદાસીએ વિદ્યાર્થીઓને તાલીમ આપી: લક્ષ્યવૈદ્ય પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી. શેઠ પત્રકારત્વ ભવન દ્વારા પ્રતિ વર્ષ શૈક્ષણિક કામગીરીની સાથોસાથ વિદ્યાર્થીઓને મીડિયાના વિવિધ ક્ષેત્રોનું પ્રેકટીકલ નોલેજ મળે તે માટે વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટના હોલ ખાતે ત્રિદિવસીય વર્કશોપનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. જેમાં પત્રકારત્વ ભવનના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી સ્ક્રીપ્ટ રાઈટીંગના વિવિધ પાસાઓનું જ્ઞાન મેળવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લક્ષ્યવૈદ્ય પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
ત્રિ-દિવસીય આ વર્કશોપમાં ઈસરોના પૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર તથા ફિલ્મ મેકર કમલેશ ઉદાસી દ્વારા સ્ક્રીપ્ટ રાઈટીંગના વિવિધ પાસાઓ ઉપર થિયોરીટીકલ અને પ્રેકટીલ તાલીમ તથા માર્ગદર્શન આપનાર છે. આ ઉપરાંત આજે સવારથી ચાલુ થયેલા વર્કશોપના મુખ્ય મહેમાન ડો.માલતી મહેતા કે જેઓ ઈએમઆરસીના ભૂતપૂર્વ ઈન્ચાર્જ ડાયરેકટર અને પ્રોડયુસર તથા સીડીસીના ભૂતપૂર્વ કો-ઓર્ડીનેટર પદ પર સેવા આપી ચુકયા છે અને વર્તમાન સમયમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન સાથે શોર્ટ ટર્મ કોર્સીસના કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે તેઓએ વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ માર્ગદર્શન પુરુ પાડયું હતું.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ વર્કશોપમાં પત્રકારત્વન ભવનના વિદ્યાર્થીઓ ટીવી શો, ડોકયુમેન્ટરી ફિલ્મો, પ્રમોશનલ ફિલ્મો તેમજ સમાચારો માટેનું સ્ક્રીપ્ટ રાઈટીંગ કઈ રીતે થાય તેની સઘન તાલીમ મેળવનાર છે.