પોલીટેક્નિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના ત્રણ વિદ્યાર્થીઓએ આયન એન્જીન નામનો એક પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે. ઉપરોક્ત પ્રોજેક્ટ પૂરો થઈ જાય અને તેને મોટા સ્તરે પૂર્ણ કરવામાં આવે તો એ પ્રોજેકટ દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીમાં ખૂબ ઉપયોગી થઈ શકવાનો દાવો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
વિજ્ઞાનની અવનવી સિદ્ધિઓથી દેશ હવે ચંદ્ર સુધી પહોંચ્યો છે. ત્યારે આ ત્રણ વિદ્યાર્થીઓએ સ્પેસમાં પહોંચ્યા બાદ રોકેટ કે સ્પેસ શટલમાં ઇંધણ પૂરું થાય તો તેને સોલાર ઉર્જાથી ચાલતા એક એન્જીનની મદદથી કઈ રીતે ત્યાં રોકી શકાય તે ટેકનોલોજીના સિદ્ધાંતોને સાબિત કરતો એક પ્રોજેકટ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ એક આયોનાઇઝેશન પ્રક્રિયા પર બનાવવામાં આવેલો છે. જેમાં અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તેને પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે અને તેને જુદી જુદી ગ્રીડ વડે પ્રવેગીત કરવામાં આવે છે અને તેમાંથી દબાણ મેળવી શકાય છે. જેનાથી સ્પેશ ક્રાફટ પણ ચાલાવી શકાય છે. અને વળી તેનો ઉપયોગ સ્પેશ શટલ અને સેટેલાઈટમાં પણ ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થીઓ દ્વારા આ ટેકનોલોજીના સિદ્ધાંત સાબિત કરતું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
સ્પેસ ટેકનોલોજીમાં શુ શુ ફાયદાઓ??
આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ તેના અનેક ફાયદાઓ બતાવવામાં આવ્યા છે. માધ્યમ તરીકે આર્ગન,ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટનો ડાયરેક્ટ દબાણમાં રૂપાંતર થઇ શકે છે કોઈ જ રોટેટીંગ પાર્ટ નથી. ઇલેક્ટ્રિકલ ઇનપુટ તરીકે સોલાર કે અન્ય કોઈપણ ઉર્જાનો વપરાશ કરી શકાય છે.આ રીતે તૈયાર થયેલ રોકેટ હાલમાં વપરાતા રોકેટની સરખામણીમાં ખૂબ સસ્તા બની શકે છે.
વળી હાલમાં વપરાતા રોકેટ એક જ વખત વાપરી શકાય છે જ્યારે આ રોકેટ ખૂબ લાંબા સમય સુધી વાપરી શકાતા હોવાનો દાવો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં વપરાતા રોકેટમાં ઇંધણને કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. આથી આ પ્રોજેક્ટનો મોટો ફાયદો એ છે કે, આ પ્રોજક્ટમાં બનાવેલ ટેકનોલજીથી પ્રદૂષણ નિવારી શકાશે એમ વિદ્યાર્થી સંગમકુમારે દાવો કર્યો છે.