એનએસયુઆઈ દ્વારા કોલેજના ડીનને ઉગ્ર રજૂઆત કરી ન્યાય આપવા માંગ
કોરોનાની મહામારીને લીધે સરકાર દ્વારા ચોક્કસ સેમેસ્ટરના વિદ્યાર્થીને મેરીડ બેઈઝ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટની ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓને અગાઉના સેમેસ્ટરમાં સારૂ પરિણામ હોવા છતાં ચાલુ સેમેસ્ટરમાં નાપાસ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ આખુ વર્ષ મહેનત કર્યા છતાં ઘણા ખરા વિદ્યાર્થીઓને અગાઉના સેમેસ્ટરમાં એક પણ કેટી નથી તો આ પરિણામમાં વિદ્યાર્થીઓને ફેઈલ કરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે અને ક્યાંકને ક્યાંક પરિણામમાં અન્યાય થયો હોય તેમ વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે. જેને લઈ એનએસયુઆઈ દ્વારા આજરોજ ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજના ઈન્ચાર્જ ડિન ડો.વડાલીયાને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે જીટીયુ સત્તાધીશો જોડે ચર્ચા-વિચારણા કરી તાત્કાલીક નિરાકરણ લાવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી. અન્યથા એનએસયુઆઈ વિદ્યાર્થીને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
આ સફળ રજૂઆતમાં એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, રવિ સિંધવ, અફઝલ જુણેજા, અભિરાજસિંહ તલાટીયા, મિત પટેલ, માનવ સોલંકી, હર્ષ આસત સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.